IPL 2025 મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરના રોજ થવાનું છે. આ વખતે હરાજીમાં ઘણા મોટા નામ સામેલ છે, જેના પર કરોડો રૂપિયાની બોલીઓ જોવા મળી શકે છે. બીજી તરફ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે આ વખતે મેગા ઓક્શન માટે પોતાનું નામ નોંધાવ્યું નથી. મતલબ કે આ વખતે સ્ટોક્સ હરાજીમાં ભાગ લેવાના નથી. જે બાદ હવે સ્ટોક્સને BCCIના નવા નિયમનો ભોગ બનવું પડશે. ચાહકોના મનમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું સ્કોટ્સ પર પ્રતિબંધ લાગશે કે પછી આ ઓલરાઉન્ડર કેટલા વર્ષ સુધી આઈપીએલમાં નહીં રમે.
IPL 2026માં પણ સ્ટોક્સ નહીં રમે
હકીકતમાં, ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે હરાજીમાં સારી કિંમતે વેચાયા પછી, ઘણા વિદેશી ખેલાડીઓ સિઝનની શરૂઆત પહેલા તેમના નામ પાછા ખેંચી લે છે. જેના સંદર્ભમાં, IPL 2025 પહેલા, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ નવો નિયમ લાગુ કર્યો હતો. BCCIના નવા નિયમો અનુસાર, જો કોઈ ખેલાડી મેગા ઓક્શન માટે પોતાનું રજીસ્ટ્રેશન નહીં કરાવે તો તે આગામી ઓક્શનમાં ભાગ લઈ શકશે નહીં. જે બાદ બેન સ્ટોક્સ IPL 2026માં પણ રમતા જોવા નહીં મળે.
આઈપીએલ 2023ની હરાજીમાં ભાગ હતો
આ પહેલા બેન સ્ટોક્સ IPL 2023ની હરાજીમાં સામેલ હતા. આ સમયગાળા દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે આ ઓલરાઉન્ડર પર ખૂબ પૈસા વરસાવ્યા હતા. IPL 2023ની હરાજીમાં બેન સ્ટોક્સને ચેન્નાઈ સુપર કિંગ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ આ સિઝનમાં તે CSK માટે એક પણ મેચ રમ્યો નથી. જોકે, આ પહેલા સ્ટોક્સે મેગા ઓક્શન 2022માં ભાગ લીધો ન હતો.
સ્ટોક્સની આઈપીએલ કારકિર્દી
ઈંગ્લેન્ડની ટીમનો આ પાવરફુલ ઓલરાઉન્ડર આઈપીએલમાં અત્યાર સુધીમાં 45 મેચ રમી ચૂક્યો છે. જ્યારે બેટિંગમાં બેન સ્ટોક્સે 935 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે. બેટિંગ દરમિયાન સ્ટોક્સે 28 વિકેટ ઝડપી છે. CSK પહેલા સ્ટોક્સ રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ હતો.