ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની ચાર મેચ રમાઈ છે, જેમાંથી 2 ઓસ્ટ્રેલિયા અને એક ભારતે જીતી હતી, જ્યારે એક મેચ ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં 184 રનથી જીત મેળવીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે.
હવે શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ સિડનીમાં રમાશે. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાનું ટેન્શન થોડું વધતું જોવા મળી રહ્યું છે. મેલબોર્ન ટેસ્ટ દરમિયાન ટીમના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક થોડી મુશ્કેલીમાં જોવા મળ્યો હતો, જોકે તેણે કહ્યું હતું કે તેની પીઠમાં દુખાવો હતો.
કોચે અપડેટ આપી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની છેલ્લી મેચ સિડનીમાં રમાશે. મિચેલ સ્ટાર્ક આ મેચમાંથી બહાર રહી શકે છે. જો કે હજુ આખરી નિર્ણય લેવાયો નથી. બીજી તરફ, સ્ટાર્કની ઈજા અંગે ઓસ્ટ્રેલિયા ટીમના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે કહ્યું, “સ્પષ્ટપણે સ્ટાર્કને કોઈ ખાસ બીમારી છે. એટલે કે સ્ટાર્ક ઈજાથી પીડિત છે, હવે આ ઈજા કેટલી ગંભીર છે તે વિશે કહી શકાય નહીં. જો મિચેલ સ્ટાર્ક પણ સિડની ટેસ્ટમાંથી બહાર રહે છે તો ઓસ્ટ્રેલિયા માટે તે ફરી એક મોટો ઝટકો બની શકે છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયાનો બીજો ઝડપી બોલર જોશ હેઝલવુડ પણ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર છે. હવે ઓસ્ટ્રેલિયન ટીમ ઈચ્છશે નહીં કે સ્ટાર્ક પાંચમી ટેસ્ટમાંથી બહાર રહે. સ્ટાર્ક હાલમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલિંગ આક્રમણમાં મહત્વની કડી છે. અત્યાર સુધી મિચેલ સ્ટાર્કે આ સિરીઝમાં રમાયેલી ચાર મેચમાં બોલિંગ દરમિયાન 15 વિકેટ ઝડપી છે. બીજી તરફ, જો સ્ટાર્ક સિડની ટેસ્ટમાંથી બહાર રહે છે તો તેના સ્થાને બ્યૂ વેબસ્ટર, સીન એબોટ અને જ્યે રિચર્ડસનમાંથી કોઈ એકને તક મળી શકે છે.