એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો દબદબો યથાવત છે. હરમનપ્રીત સિંહની કપ્તાનીવાળી ભારતીય ટીમે ફાઇનલમાં યજમાન ચીનને 1-0થી હરાવ્યું હતું. આ સાથે ભારતે રેકોર્ડ પાંચમી વખત ટ્રોફી પર કબજો કર્યો. છઠ્ઠી વખત ફાઈનલ રમી રહેલી ભારતીય ટીમ માટે એકમાત્ર ગોલ જુગરાજ સિંહે કર્યો હતો. ભારત તરફથી આ ગોલ ચોથા ક્વાર્ટરમાં આવ્યો હતો. જુગરાજ સિંહે મેચની 51મી મિનિટે ફિલ્ડ ગોલ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કર્યો હતો. ભારતીય ટીમે અજેય રહીને પોતાનું ટાઇટલ જાળવી રાખ્યું છે. પેરિસ ઓલિમ્પિક 2024 પછી ભારતીય ટીમની આ એક મોટી ઉપલબ્ધિ છે. આ ટૂર્નામેન્ટમાં ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. ભારતીય ટીમ અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ વિના તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમી રહી હતી.
ભારત (IND vs CHA) અપરાજિત રહીને ફાઇનલમાં પ્રવેશ્યું હતું. હરમનપ્રીત સિંહની કપ્તાનીવાળી ભારતીય ટીમે સેમિફાઈનલમાં દક્ષિણ કોરિયાને હરાવ્યું હતું જ્યારે ચીને પાકિસ્તાનને ટાઈટલ મેચમાં હરાવ્યું હતું. ભારતે લીગમાં તેની તમામ પાંચ મેચ જીતી હતી, જેમાં ચીન સામે 3-0થી જીતનો સમાવેશ થાય છે. ચીનની ટીમને પ્રથમ વખત ફાઈનલની ટિકિટ મળી છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં બંને ટીમ સાતમી વખત આમને સામને આવી હતી. આ પહેલા ભારતે છમાંથી 5 મેચ જીતી હતી જ્યારે ચીને એક મેચ જીતી હતી. ચીને 2006માં ભારતને હરાવ્યું હતું. બંને ટીમોએ પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું.
ભારત-ચીનનો ફાઈનલનો રસ્તો
લીગની તેની પ્રથમ મેચમાં ભારતે ચીનને 3-0થી, જાપાનને 5-1થી અને મલેશિયાને 8-1થી હરાવ્યું હતું. ભારતે દક્ષિણ કોરિયાને 3-1થી હરાવ્યું હતું, જ્યારે સેમિફાઇનલમાં ભારતે કોરિયાને 4-1થી હરાવ્યું હતું. ચીને લીગમાં બે મેચ જીતી હતી જ્યારે ત્રણ મેચ હારી હતી. સેમી ફાઇનલમાં પાકિસ્તાનને શૂટઆઉટમાં હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.