ચેમ્પિયન્સ ટ્રોફીમાં રવિવારે (23 ફેબ્રુઆરી) રમાયેલી ભારત-પાકિસ્તાન મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, એક પાકિસ્તાની ચાહક પોતાના દેશની જર્સી ઉપર ટીમ ઈન્ડિયાની જર્સી પહેરેલો જોવા મળે છે.
મેચની પહેલી ઇનિંગમાં પાકિસ્તાની ચાહકે પોતાની જર્સી બદલી નાખી. હકીકતમાં, ટીમ ઈન્ડિયાએ શરૂઆતથી જ આ મેચમાં મજબૂત પકડ જાળવી રાખી હતી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની પહેલી બે વિકેટ ૫૦ રનની અંદર જ ઝડપી લીધી. આ પછી, કેપ્ટન મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલે સદીની ભાગીદારી કરીને પાકિસ્તાન ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી, પરંતુ કેપ્ટન પેવેલિયન પરત ફરતાની સાથે જ પાકિસ્તાન ટીમ તૂટી પડી.
એક સમયે ૧૫૧ રનમાં માત્ર ૨ વિકેટ ગુમાવ્યા બાદ સારી સ્થિતિમાં દેખાતું પાકિસ્તાન, સંપૂર્ણ ૫૦ ઓવર પણ રમી શક્યું નહીં અને ૨૪૧ રનમાં ઓલઆઉટ થઈ ગયું. પાકિસ્તાનની એક પછી એક વિકેટ પડી રહી હતી, ત્યારે એક પાકિસ્તાની ચાહકે ભરચક સ્ટેડિયમમાં પોતાની જર્સી બદલી નાખી.
पाकिस्तानी के फैन को हम लोगों ने भारत जर्सी पहना दिया ! #INDvsPAKlive #INDvsPAK #ViratKohli𓃵 #virat pic.twitter.com/Mx1w0Ymhy7
— ANSHUL YADAV (@Anshulydv02) February 24, 2025
કોહલીની સદી અને ચોથો વિજય
ટીમ ઈન્ડિયાએ 242 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો. રોહિત શર્મા (20) ભલે શરૂઆતમાં આઉટ થઈ ગયો હોય, પરંતુ શુભમન ગિલ (46), શ્રેયસ ઐયર (56) અને વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ્સ રમીને ભારતને આસાન જીત અપાવી. જ્યારે ટીમ ઈન્ડિયાને જીતવા માટે ફક્ત 2 રનની જરૂર હતી, ત્યારે વિરાટને તેની સદી પૂર્ણ કરવા માટે 4 રનની જરૂર હતી, આવી સ્થિતિમાં, કોહલીએ ચોગ્ગો ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી અને તેની સદી પણ પૂર્ણ કરી. ટીમ ઈન્ડિયાએ 45 બોલ બાકી રહેતા 6 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો.