ભારતના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીએ ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી T20 શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. તેને ફોર્મમાં ચાલી રહેલા અર્શદીપ સિંહની જગ્યાએ ત્રીજી ટી20 મેચમાં તક મળી. આ મેચમાં તેણે 3 ઓવર ફેંકી અને એક પણ વિકેટ મેળવી ન હતી. તે જ સમયે, ટીમ ઈન્ડિયા પહેલાથી જ T20 શ્રેણીમાં 3-1 ની અજેય લીડ મેળવી ચૂકી છે. આવી સ્થિતિમાં, દરેકના મનમાં પ્રશ્ન એ છે કે શું મોહમ્મદ શમીને પાંચમી ટી20 મેચમાં તક મળશે. આ પ્રશ્નનો જવાબ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કલે આપ્યો છે.
કોચ મોર્ને મોર્કેલે શમી વિશે મોટી અપડેટ આપી
શમી વિશે વાત કરતાં બોલિંગ કોચ મોર્ને મોર્કેલે કહ્યું, “શમીએ ત્રીજી ટી20 મેચમાં ખરેખર સારી બોલિંગ કરી. તે વોર્મ-અપમાં પણ સારી બોલિંગ કરી રહ્યો છે. તે જે રીતે પ્રગતિ કરી રહ્યો છે તેનાથી હું ખૂબ ખુશ છું. તેને કદાચ પાંચમી મેચમાં તક મળશે અને આપણે જોઈશું કે પરિસ્થિતિ કેવી રહે છે. તેને ટીમમાં પાછો મેળવીને હું ઉત્સાહિત છું. તે યુવા બોલરો સાથે પોતાનો અનુભવ શેર કરી રહ્યો છે, જેનો ફાયદો યુવા બોલરોને થઈ રહ્યો છે. તેને ટીમમાં પાછો મેળવવો ખૂબ જ સારી વાત છે.” રાજકોટ ટી20માં શમીએ ત્રણ ઓવરમાં 25 રન આપ્યા હતા. નવેમ્બર 2022 પછી આ તેનો પહેલો T20I મેચ હતો.
ભારત માટે શમીનું ફોર્મ મહત્વપૂર્ણ છે
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં શમી વાપસી કરવા માટે તૈયાર લાગે છે. પગની ઘૂંટીની ઈજા પછી તેણે કોઈ વનડે રમી નથી. ભારત માટે શમીનું ફોર્મ ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે જસપ્રીત બુમરાહ હજુ સુધી ફિટ જાહેર થયો નથી. ભારત 11 ફેબ્રુઆરી સુધી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટીમમાં ફેરફાર કરી શકે છે.