ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં રમાયેલી ચોથી ટેસ્ટ 184 રનના વિશાળ માર્જિનથી જીતી લીધી હતી. જો કે આ પછી કાંગારૂઓને મોટો ઝટકો લાગ્યો હતો. અહેવાલો આવ્યા હતા કે ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કને ઈજા થઈ છે અને તે સંપૂર્ણ રીતે ફિટ ન હોવાના કારણે સિડનીમાં રમાનાર પાંચમી ટેસ્ટ રમશે નહીં. હવે ટીમના વિકેટકીપર એલેક્સ કેરીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરીને આશા છે કે ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક પાંસળીમાં દુખાવો હોવા છતાં ભારત સામે શુક્રવારથી શરૂ થઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં રમશે. તમને જણાવી દઈએ કે સ્ટાર્કને મેલબોર્ન ટેસ્ટના છેલ્લા દિવસે પાંસળીમાં દુખાવો થયો હતો, તેમ છતાં તેણે બોલિંગ કરી હતી.
એલેક્સ કેરેએ સિડનીમાં પત્રકારોને કહ્યું, “તે ઠીક થઈ જશે. આશા છે કે તે પાંચમી ટેસ્ટ મેચ રમશે. હું તેની (સ્ટાર્ક) સાથે લાંબા સમયથી રમી રહ્યો છું. તે એક મજબૂત ખેલાડી છે. ચોક્કસપણે તેની પાંસળીમાં દુખાવો છે. અને તે ક્યારેક તેને પરેશાન કરે છે, પરંતુ મને વિશ્વાસ છે કે તે આગામી મેચમાં રમવા માટે તૈયાર હશે.”
ઓસ્ટ્રેલિયાએ 2014-15 પછી બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતવા માટે પાંચમી ટેસ્ટ મેચ જીતવી અથવા ડ્રો કરવી પડશે. જો ભારત આ મેચ જીતવામાં સફળ રહેશે તો તે સતત પાંચમી વખત આ ટ્રોફી જીતશે. જો સ્ટાર્કને આરામ આપવામાં આવે છે, તો ડિસેમ્બર 2021માં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમનાર ઝડપી બોલર ઝાય રિચર્ડસનને ટીમમાં સામેલ કરી શકાય છે.
ચોથી ટેસ્ટથી ટીમમાં સામેલ થયેલા ઝાય રિચર્ડસને ટીમમાં પસંદગીની સંભાવના વિશે કહ્યું કે, “હું તેના વિશે વિચારી રહ્યો નથી, પરંતુ જો મને તક મળશે તો હું તેનો ફાયદો ઉઠાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.”