ભારતના ભૂતપૂર્વ PM ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છે. તેમના નિધન પર દુનિયાભરમાંથી શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર સિરીઝની ચોથી ટેસ્ટ રમી રહેલી ટીમ ઈન્ડિયાએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ જ કારણ છે કે મેચના બીજા દિવસે ટીમના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને રમવા આવ્યા હતા.
ચાર કાંગારૂ બેટ્સમેને અર્ધસદી ફટકારી
બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ટીમે છ વિકેટે 311 રન બનાવી લીધા હતા. ટીમના ચાર શરૂઆતી ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને ફિફ્ટી ફટકારી. મેચના પહેલા દિવસે ભારત માટે ઝડપી બોલર જસપ્રિત બુમરાહે શાનદાર બોલિંગ કરી અને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 1-1 થી બરાબર છે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. ટીમ ઈન્ડિયાએ પર્થમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ 295 રને જીતી લીધી હતી. એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમે વળતો પ્રહાર કર્યો હતો અને 10 વિકેટથી જીત મેળવી હતી. બંને ટીમો વચ્ચે બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાયેલી ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી.