ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024ની પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે મેચનો ચોથો દિવસ છે. આ મેચ પર ટીમ ઈન્ડિયાની પકડ ઘણી મજબૂત થઈ ગઈ છે. ચાહકોને આશા છે કે આ મેચનું પરિણામ આજે આવશે. જોકે, ચોથા દિવસે ટ્રેવિસ હેડે જે રીતે બેટિંગ કરી તે જોઈને ભારતીય ચાહકોનું ટેન્શન થોડું વધી ગયું હતું.
પરંતુ ફરી એકવાર કેપ્ટન જસપ્રિત બુમરાહની ખતરનાક બોલિંગ સામે બધા મુશ્કેલીમાં મુકાઈ ગયા. આ સાથે જ હેડની વિકેટ લીધા બાદ વિરાટ કોહલીની અલગ જ આક્રમકતા પણ જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
કોહલી જૂની સ્ટાઈલમાં જોવા મળ્યો હતો
રોહિત શર્મા પર્થ ટેસ્ટનો ભાગ નથી, જેના કારણે જસપ્રીત બુમરાહ પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. બુમરાહ ભલે કેપ્ટનશીપ કરી રહ્યો હોય પરંતુ વિરાટ કોહલી પણ આ મેચમાં પોતાનો પૂરો અનુભવ બતાવી રહ્યો છે. બોલરો સાથે વાત કરવી હોય કે ફિલ્ડિંગ ગોઠવવાની હોય, કોહલી બધું જ કરતો જોવા મળે છે. જ્યારે જસપ્રિત બુમરાહે ખતરનાક દેખાતા ટ્રેવિસ હેડને આઉટ કર્યો ત્યારે કોહલીએ તેની જૂની આક્રમક શૈલીમાં ઉજવણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ટ્રેવિસ હેડ સદી ચૂકી ગયો
ઓસ્ટ્રેલિયાનો ડાબોડી બેટ્સમેન ટ્રેવિસ હેડ પર્થ ટેસ્ટના ચોથા દિવસે ઘણો ખતરનાક દેખાઈ રહ્યો હતો. ચોથા દિવસે હેડે ખૂબ જ ઝડપથી સ્કોર કર્યો. એક સમયે તેને આઉટ કરવો ભારતીય બોલરો માટે માથાનો દુખાવો બની ગયો હતો, પરંતુ બુમરાહે સફળતા હાંસલ કરી હતી. જોકે હેડ બીજી ઇનિંગમાં સદી ચૂકી ગયો હતો. બીજા દાવમાં બેટિંગ કરતા ટ્રેવિસ હેડે 101 બોલનો સામનો કરીને 89 રન બનાવ્યા હતા. જેમાં 8 ચોગ્ગા સામેલ હતા.