ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન ટોમ કોહલર કેડમોરે 105 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. અબુ ધાબી T10 લીગની ફાઈનલ મેચમાં તેણે આ અડધી સદી ફટકારી હતી. ગ્લેડીયેટર્સે માત્ર 6.5 ઓવરમાં જ આઠ વિકેટ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધો, ચારેય બેટ્સમેનોનો સ્ટ્રાઈક રેટ 200થી વધુ હતો.
ડેક્કન ગ્લેડીયેટર્સે મોરિસવિલે સેમ્પ આર્મીને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ડેક્કન ગ્લેડીયેટર્સે ત્રીજી વખત અબુ ધાબી T-10 લીગનો ખિતાબ જીત્યો. આ પહેલા ટીમે 2021 અને 2022માં ટાઈટલ જીત્યું હતું. ડેક્કન ગ્લેડીયેટર્સ ત્રણ ટાઇટલ જીતનારી પ્રથમ ટીમ બની છે.
ડેક્કન ગ્લેડીયેટર્સે અબુ ધાબી T10 લીગની ફાઈનલ મેચ જીતી લીધી
વાસ્તવમાં, અબુ ધાબી T10 લીગની ફાઈનલ મેચમાં ડેક્કન ગ્લેડીયેટર્સના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા મોરિસવિલે સેમ્પ આર્મીની ટીમે 104 રન બનાવ્યા હતા. ટીમ માટે ફાફ ડુ પ્લેસિસે બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 34 રન બનાવ્યા હતા. સૌથી પહેલા મહેશ થીક્ષાનાએ શરજીલ ખાનની વિકેટ લઈને ટીમને પ્રથમ સફળતા અપાવી હતી.
ચરિથ અસલંકા 13 રન બનાવી રનઆઉટ થયો હતો. એન્ડ્રિસ ગસે નવ બોલમાં 21 રનની શાનદાર ઇનિંગ રમી જેમાં બે સિક્સ અને એક ફોરનો સમાવેશ થાય છે. આઠમી ઓવરમાં ગ્લીસને ડુ પ્લેસિસ અને જેક ટેલરને આઉટ કરીને બેવડો ઝટકો આપ્યો હતો.
ટોમ કોહલર કેડમોરે અણનમ અડધી સદીની ઇનિંગ રમી હતી
જવાબમાં, ડેકર ગ્લેડીયેટર્સ તરફથી કોહલર-કેડમોરે મુસ્તફા સામે સતત ચાર ચોગ્ગા ફટકારીને રન ચેઝની શરૂઆત કરી હતી. બીજી ઓવરમાં પુરને ઇનિંગનો પહેલો સિક્સ ફટકાર્યો હતો. તેણે ડાબા હાથના સ્પિનર વસીમને નિશાન બનાવ્યો અને તેને બે સિક્સર અને એક ફોર ફટકારી.
ત્યારબાદ ઇસુરુ ઉડાનાએ ચોથી ઓવરમાં પુરનની વિકેટ લઈને ઓપનિંગ પાર્ટનરશિપ તોડી હતી. આ દરમિયાન કેપ્ટન પુરને 10 બોલમાં 28 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રિલે રોસોએ 12 રન અને જોસ બટલર 12 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ રીતે ડેકર ગ્લેડીયેટર્સે 8 વિકેટે મેચ જીતી લીધી હતી.