ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમોએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તેમની ટીમોની જાહેરાત કરી દીધી છે. આ ટુર્નામેન્ટ માટે હજુ સુધી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ચાહકો ભારતીય ટીમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, BCCI એ ICC પાસે ટીમની જાહેરાત કરવા માટે થોડો વધુ સમય માંગ્યો છે. આખરે ટીમ ઈન્ડિયાની જાહેરાતમાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે, તેની પાછળનું કારણ પણ સામે આવી રહ્યું છે.
2 ખેલાડીઓની ઈજા અંગે સમસ્યા
ટીમ ઈન્ડિયાનો સૌથી ખતરનાક બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચમાં ઘાયલ થયો હતો. બુમરાહ સિડની ટેસ્ટની બીજી ઇનિંગમાં બોલિંગ પણ કરી શક્યો ન હતો. બુમરાહ કમરના દુખાવાના કારણે બોલિંગ કરી શક્યો નહીં. હવે બુમરાહને NCA ખાતે પુનર્વસન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ગઈકાલે, ઈન્ડિયન એક્સપ્રેસમાં બુમરાહ અંગે એક અહેવાલ પ્રકાશિત થયો હતો કે બુમરાહ માર્ચના પહેલા અઠવાડિયા સુધીમાં ફિટ થઈ શકે છે. જેનો અર્થ એ થયો કે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતની મેચો ગુમાવી શકે છે.
હવે જોવાનું એ રહે છે કે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ થાય છે કે નહીં? ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બુમરાહે ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ બોલિંગ કરી અને સૌથી વધુ વિકેટ લીધી. સિડની ટેસ્ટ દરમિયાન તેને સ્કેન માટે મેદાનની બહાર જવું પડ્યું.
બીજી તરફ, સ્પિન બોલર કુલદીપ યાદવ પણ ઈજા બાદ NCA ખાતે પુનર્વસન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. જોકે, કુલદીપને હજુ સુધી LCA તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યું નથી. કુલદીપ યાદવ અને બુમરાહને પણ ઇંગ્લેન્ડ સાથેની T20 શ્રેણી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યા ન હતા.
કુલદીપ યાદવે ગયા વર્ષે ન્યૂઝીલેન્ડ સામે પોતાની છેલ્લી મેચ રમી હતી, જે દરમિયાન તેને પીઠમાં ઈજા થઈ હતી અને ત્યારથી તે ટીમ ઈન્ડિયાની બહાર છે. હવે પસંદગીકારો આ બંને ખેલાડીઓના ફિટ થવાની રાહ જોઈ રહ્યા છે. જેના કારણે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતમાં થોડો વિલંબ થઈ રહ્યો છે.