ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી મેચ 19 ફેબ્રુઆરીએ રમાશે. જેનું આયોજન પાકિસ્તાન કરી રહ્યું છે. ભારતની મેચ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ હેઠળ દુબઈમાં રમાશે. આ ટુર્નામેન્ટ શરૂ થવામાં 6 અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. આ માટે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ લાહોરમાં ગદ્દાફી સ્ટેડિયમ, રાવલપિંડી સ્ટેડિયમ અને કરાચીમાં નેશનલ સ્ટેડિયમનું નવીનીકરણ કરી રહ્યું છે. જે ઘણા સમય પહેલા પૂર્ણ થઈ જવું જોઈતું હતું, પરંતુ હજુ સુધી પૂર્ણ થયું નથી. આ માટે પાકિસ્તાનની ઘણી ટીકા થઈ રહી છે.
નવીનીકરણના કામમાં વિલંબ
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમની ક્ષમતા 27,000 થી વધારીને 35,000 બેઠકો કરવામાં આવી રહી છે. અહીં અત્યાધુનિક 480 LED લાઇટ અને બે સ્ક્રીન લગાવવામાં આવશે, અને નવા પ્લેયર અને ગેસ્ટ બોક્સ પણ બનાવવામાં આવી રહ્યા છે. રાવલપિંડી સ્ટેડિયમમાં 10,000 વધારાની બેઠકો ઉમેરવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ બંને સ્ટેડિયમનું નવીનીકરણ કાર્ય 25 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તે જ સમયે, કરાચીના નેશનલ સ્ટેડિયમમાં 5000 વધુ બેઠકો ઉમેરવામાં આવી રહી છે અને સારી લાઇટિંગ માટે ત્યાં 350 LED લાઇટ્સ લગાવવામાં આવી રહી છે.
પીસીબી ખાતરી
પીસીબીને આશા છે કે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં તમામ કામ પૂર્ણ થઈ જશે. આ માટે, તેઓએ તેમની ત્રિકોણીય શ્રેણી મુલતાનથી કરાચી અને લાહોરમાં ખસેડી છે. આ શ્રેણી 8 ફેબ્રુઆરીથી શરૂ થશે અને PCBનું કહેવું છે કે આ પછી, ચેમ્પિયન્સ ટ્રોફી માટે બધા સ્ટેડિયમની સ્થિતિ સારી રહેશે. આ ત્રિકોણીય શ્રેણી પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.
ICCનું કડક નિરીક્ષણ
જોકે PCB પોતાના દાવા પર વિશ્વાસ ધરાવે છે, પરંતુ શરૂઆતમાં સ્ટેડિયમના નવીનીકરણનું કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા હતી. હવે આ કામ એક મહિનાના વિલંબ સાથે પૂર્ણ થવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) તેની પ્રગતિની સમીક્ષા કરવા માટે પાકિસ્તાન આવી શકે છે. અહેવાલો અનુસાર, જો 12 ફેબ્રુઆરી સુધીમાં બધા સ્ટેડિયમ તૈયાર ન થાય, તો ટુર્નામેન્ટ UAE શિફ્ટ થઈ શકે છે.