પંચાંગ અનુસાર વર્ષમાં કુલ ચાર નવરાત્રી ઊજવવામાં આવે છે: બે ગુપ્ત નવરાત્રી, એક ચૈત્ર અને એક શારદીય નવરાત્રી. ચૈત્ર અને અશ્વિન મહિનાની નવરાત્રીનું મહત્વ વિશેષ છે. શારદીય નવરાત્રી અશ્વિન મહિનાની પ્રતિપદાથી શરૂ થઈને દશમી તિથિ સુધી ચાલે છે. આ વર્ષે શારદીય નવરાત્રી ગુરુવાર, 3 ઓક્ટોબર 2024 થી શરૂ થઈને 12 ઓક્ટોબર 2024 સુધી રહેશે. આ તહેવાર દેશના વિવિધ ભાગોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, જેમાં દેવી ભગવતીના નવ સ્વરૂપોની પૂજા, ઉપવાસ, ગરબા, અને આરતીનો સમાવેશ થાય છે.
પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે?
નવ દિવસ સુધી નવરાત્રિ ઉજવવા પાછળ સંકળાયેલ માન્યતાઓ
ધાર્મિક ગ્રંથોના અનુસાર, માતા દુર્ગાએ મહિષાસુર રાક્ષસ સાથે યુદ્ધ કરીને તેને હરાવ્યો. આ યુદ્ધ નવ દિવસ સુધી ચાલ્યું, અને દશમાં દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વિનાશ કર્યો. તેઓએ આસુરી શક્તિઓનો નાશ કર્યો, અને એવું માનવામાં આવે છે કે આ યુદ્ધ અશ્વિન મહિનામાં થયું, તેથી દરેક વર્ષે અશ્વિન મહિનાની પ્રતિપદાથી નવ દિવસ સુધી નવરાત્રી ઉજવાય છે, જેને શારદીય નવરાત્રી કહેવાય છે.
નવરાત્રીની ઉજવણીનો ઈતિહાસ
નવરાત્રીના તહેવાર સાથે જોડાયેલી ઘણી કથાઓ છે, ખાસ કરીને દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજાની પરંપરા. એક લોકપ્રિય કથા અનુસાર, મહિષાસુરને ભગવાન બ્રહ્મા પાસેથી અમરત્વનું વરદાન મળ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે એક સ્ત્રીના હાથથી જ મરશે. આ વરદાન મળ્યા પછી, મહિષાસુરે દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું.
મહિષાસુરના અત્યાચારથી પરેશાન થઈને બધા દેવતાઓ ત્રિદેવ પાસે પહોંચી ગયા ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવે આદિશક્તિનું આવાહન કર્યું. ત્યારે મહિષાસુરના અંત માટે ત્રિદેવના તેજ પુંજથી માં દુર્ગાની ઉત્પત્તિ થઇ. જે મહિષાસુર મર્દિનીથી ઓળખાય. દેવતાઓથી અસ્ત્ર -શસ્ત્ર શક્તિઓ મેળવી માં દુર્ગાએ મહિષાસુરને યુદ્ધ માટે પડકાર ફેંક્યો .
મહિષાસુર અને દેવી દુર્ગા વચ્ચેનું આ યુદ્ધ નવ દિવસ સુધી ચાલતું રહ્યું, અને દશમાં દિવસે દેવીએ મહિષાસુરનો વધ કર્યો, એટલા માટે નવ દિવસ સુધી નવરાત્રીનો તહેવાર ઉજવાય છે. કહેવાય છે કે યુદ્ધ દરમિયાન બધા દેવતાઓએ પણ નવ દિવસ પૂજા-પાઠ કરી મહિષાસુરને મારવા માટે દેવીને શક્તિ પ્રદાન કરી. એવું માનવામાં આવે છે કે નવરાત્રીના તહેવારની ઉજવણી ત્યારથી શરૂ થઈ છે
ભગવાન શ્રી રામ અને નવરાત્રીનો ઈતિહાસ
બીજી કથા અનુસાર, નવરાત્રીની ઉજવણી શ્રી રામ સાથે પણ જોડાયેલી છે. જ્યારે રાવણે માતા સીતાને અપહરણ કર્યું, ત્યારે ભગવાન રામે નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરી. નવમા દિવસે, દેવી પ્રગટ થઈ અને રામને યુદ્ધમાં વિજય માટે આશીર્વાદ આપ્યા. આ બાદ ભગવાન રામે દશમ દિવસે રાવણનો વધ કર્યો. આ ઘટના પછી નવરાત્રીની ઉજવણીની પરંપરા શરૂ થઈ, અને દશમાં દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે.