ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીનું પરિણામ શનિવારે આવશે. જે સંદર્ભે પાલનપુરના જગાણા ખાતે આવેલી સરકારી ઇજનેરી કોલેજમાં મતગણતરી હાથ ધરાશે. આ બેઠક પર મુખ્ય મુકાબલો કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના સ્વરૂપજી ઠાકોર વચ્ચે છે. માવજી પટેલ પણ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે.
સંબંધિત સમાચાર
321 બૂથ માટે 23 રાઉન્ડમાં મતગણતરી થશે. આ પ્રક્રિયામાં 159થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લેશે, જ્યારે 400 પોલીસકર્મીઓ સુરક્ષા માટે તૈનાત રહેશે. ચૂંટણી પંચ દ્વારા મત ગણતરીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં 70.55 ટકા મતદાન થયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના જણાવ્યા મુજબ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. પોસ્ટલ બેલેટની પ્રથમ ગણતરી સવારે 8:00 થી 8:30 વચ્ચે કરવામાં આવશે. બાદમાં સવારે 8:30 વાગ્યાથી EVM મતોની ગણતરી રાઉન્ડ વાઇઝ શરૂ થશે. તેમણે જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમજ સ્ટ્રોંગ રૂમ અને સીસીટીવી સેન્ટરનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.