અમેરિકામાં ભીષણ ઠંડીને કારણે ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. માર્યા ગયેલા આઠ લોકો કેન્ટુકીના હતા અને ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ ગઈ હતી અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે રવિવારે જણાવ્યું હતું કે પૂરમાં ફસાયેલા સેંકડો લોકોને બહાર કાઢવાની જરૂર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાજ્ય માટે આપત્તિ જાહેર કરી છે, જેના કારણે ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીને રાજ્યભરમાં રાહત પ્રયાસો શરૂ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ હાલ રસ્તાઓ પર ન આવે.
બેશિયરે જણાવ્યું હતું કે ઘણા મૃત્યુ કાર પાણીમાં ફસાઈ જવાથી થયા હતા, જેમાં એક માતા અને તેના 7 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું, ‘તો મિત્રો, હવે રસ્તા પર ન આવો અને સુરક્ષિત રહો.’ આ શોધ અને બચાવનો તબક્કો છે અને મને બધા કેન્ટુકિયનો પર ખૂબ ગર્વ છે જેઓ આમ કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
વાવાઝોડા બાદ 1,000 લોકોને બચાવી લેવામાં આવ્યા છે
બેશિયરે જણાવ્યું હતું કે શનિવારથી વાવાઝોડું શરૂ થયું ત્યારથી રાજ્યભરમાં લગભગ 1,000 લોકોને બચાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે વાવાઝોડાને કારણે લગભગ 39,000 ઘરો વીજળી વગરના થઈ ગયા હતા. તેમણે ચેતવણી આપી હતી કે ભારે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી કાપ વધી શકે છે.
કેન્ટુકી-ટેનેસીમાં વરસાદથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ
હવામાનશાસ્ત્રીઓના મતે, કેન્ટુકી અને ટેનેસીમાં વરસાદને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. રાષ્ટ્રીય હવામાન સેવાના વરિષ્ઠ આગાહીકર્તા બોબ ઓરાવેકે જણાવ્યું હતું કે કેન્ટુકી અને ટેનેસીના કેટલાક ભાગોમાં 6 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ઓરાવેકે કહ્યું કે અસર થોડા સમય માટે ચાલુ રહેશે. ઘણી નદીઓ છલકાઈ રહી છે અને પૂર આવી રહ્યું છે.
ટેનેસીમાં ડેમ તૂટવાથી પૂર આવ્યું
શનિવારે બપોરે, ટેનેસીના રિવાસના નાના સમુદાયમાં એક બંધ તૂટી ગયો, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. લોકોને બચાવવા માટે ફાયર અધિકારીઓને બચાવ કામગીરીમાં જોડાવું પડ્યું. ડેમ તૂટવાના થોડા કલાકો પહેલા જ રાષ્ટ્રીય હવામાન સેવાએ અચાનક પૂરની ચેતવણી જારી કરી હતી.
એટલાન્ટામાં ઝાડ પડવાથી એક વ્યક્તિનું મોત
રવિવારે વહેલી સવારે એટલાન્ટામાં એક મોટું ઝાડ એક ઘર પર પડ્યું, જેમાં એક વ્યક્તિનું મોત થયું. દરમિયાન, કેન્ટુકીમાં કાર અને ઇમારતો પાણીમાં ડૂબી ગઈ, અને વર્જિનિયામાં ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા. ટેનેસી અને અરકાનસાસની સાથે બંને રાજ્યોમાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી હતી.