Ukraine Russia War:અમેરિકા અને પશ્ચિમી દેશોની મદદથી યુક્રેન રશિયા સામેના યુદ્ધમાં ઝડપથી વાપસી કરી રહ્યું છે. યુક્રેને 72 કલાકમાં રશિયન પ્રદેશ પર બીજો સૌથી મોટો હુમલો કર્યો છે. યુક્રેનના આ હુમલામાં રશિયાના કબજા હેઠળના યુક્રેનના વિસ્તારમાં 27 લોકોના મોત થયા છે. યુક્રેને ખેરસન અને લુહાન્સ્ક જેવા આંશિક રીતે રશિયાના કબજા હેઠળના વિસ્તારોમાં આ હુમલો કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે યુક્રેનિયન હુમલામાં ઓછામાં ઓછા 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ વિસ્તારોમાં રશિયા દ્વારા નિયુક્ત અધિકારીઓએ આ માહિતી આપી હતી. બે દિવસ પહેલા જ યુક્રેને પણ હવાઈ હુમલામાં રશિયાની ઓઈલ રિફાઈનરી ઉડાવી દીધી હતી.
રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને દેશોની સેનાએ ગઈકાલે રાત્રે એકબીજા પર ડ્રોનથી ફાયરિંગ કર્યું હતું. મોસ્કો (રશિયા) સમર્થિત ગવર્નર વ્લાદિમીર સાલ્ડોએ જણાવ્યું હતું કે યુક્રેનના આંશિક કબજા હેઠળના ખેરસન ક્ષેત્રના નાના શહેર સાદોવમાં શુક્રવારે યુક્રેનિયન હુમલામાં 22 લોકો માર્યા ગયા હતા અને 15 અન્ય ઘાયલ થયા હતા. રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસના જણાવ્યા અનુસાર, સાલ્ડોએ કહ્યું કે યુક્રેનની સૈન્ય દળોએ પહેલા શહેર પર ફ્રેન્ચ બનાવટના બોમ્બ ફેંક્યા અને પછી યુએસ નિર્મિત ‘હિમારસ’ મિસાઇલો છોડી.
મહાલેમાં 60થી વધુ લોકો ઘાયલ
યુક્રેનના આંશિક કબજાવાળા લુહાન્સ્ક ક્ષેત્રમાં, રશિયન ગવર્નર પેસેક્નિકે શનિવારે જણાવ્યું હતું કે પ્રદેશની રાજધાની લુહાન્સ્ક (લુહાન્સ્કની રાજધાનીનું નામ પણ લુહાન્સ્ક છે)માં શુક્રવારે યુક્રેનના મિસાઈલ હુમલા બાદ કાટમાળમાંથી વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા આમ મૃત્યુઆંક વધીને પાંચ થયો છે. પેસેક્નિકે શનિવારે કહ્યું કે હુમલામાં 60 અન્ય લોકો પણ ઘાયલ થયા છે. યુક્રેને આ બેમાંથી કોઈ પણ હુમલા અંગે કોઈ ટિપ્પણી કરી નથી.