અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના ડૉ. જય ભટ્ટાચાર્યની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના ડિરેક્ટર તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. તે દેશમાં તબીબી સંશોધનને ભંડોળ પૂરું પાડતી સૌથી મોટી જાહેર સંસ્થા છે અને તેનું બજેટ આશરે $47.3 બિલિયન છે.
ડો. જય ભટ્ટાચાર્યના નામની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું કે સ્ટેનફોર્ડના અભ્યાસી અને યુએસ કોવિડ નીતિના ટીકાકાર ડો. ભટ્ટાચાર્ય રોબર્ટ એફ. કેનેડી જુનિયર સાથે મળીને NIH ને તબીબી સંશોધનના સુવર્ણ ધોરણમાં પુનઃસ્થાપિત કરવા માટે કામ કરશે કારણ કે તેઓ આપણા દીર્ઘકાલિન રોગ અને રોગ કટોકટી સહિત અમેરિકાના સૌથી મોટા સ્વાસ્થ્ય પડકારોના અંતર્ગત કારણો અને ઉકેલોની તપાસ કરશે.
જય ભટ્ટાચાર્ય વિશે મહત્વની વાતો
જય ભટ્ટાચાર્યનો જન્મ 1968માં કોલકાતામાં થયો હતો. ડૉ. ભટ્ટાચાર્યએ 1997માં સ્ટેનફોર્ડમાંથી દવામાં ડોક્ટરેટ મેળવ્યું અને ત્રણ વર્ષ પછી, તેમણે એ જ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું. ડૉ. ભટ્ટાચાર્ય સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આરોગ્ય નીતિના પ્રોફેસર છે અને નેશનલ બ્યુરો ઑફ ઇકોનોમિક્સ રિસર્ચમાં સંશોધન સહયોગી છે. તેઓ સ્ટેનફોર્ડના સેન્ટર ફોર ડેમોગ્રાફી એન્ડ ઈકોનોમિક્સ ઓફ હેલ્થ એન્ડ એજીંગને નિર્દેશિત કરે છે, જેમાં સરકારી કાર્યક્રમોની ભૂમિકા, બાયોમેડિકલ ઈનોવેશન અને અર્થશાસ્ત્ર પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. ભટ્ટાચાર્યનું તાજેતરનું સંશોધન કોવિડ-19ના રોગચાળા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમજ રોગચાળા અંગેના નીતિવિષયક પ્રતિભાવોનું મૂલ્યાંકન કરે છે. વૈજ્ઞાનિક જર્નલમાં 135 લેખો પ્રકાશિત કર્યા છે.