ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં મોબાઈલ ઈન્ટરનેટ કનેક્ટિવિટી વધારવાની યોજનાને મોટો ફટકો પડ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની યુનુસ સરકારે ‘બેન્ડવિડ્થ ટ્રાન્ઝિટ’ સુવિધા આપવા માટે ભારત સાથે કરેલા કરારને રદ કર્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે પ્રાદેશિક ડિજિટલ હબ તરીકે બાંગ્લાદેશની ભૂમિકા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ભારતે બાંગ્લાદેશ દ્વારા તેના ઉત્તર-પૂર્વ રાજ્યો માટે ઈન્ટરનેટ ટ્રાન્ઝિટ સુવિધાની માંગ કરી હતી. આ અંતર્ગત બાંગ્લાદેશ બોર્ડર પર ઇન્ટરનેટ સર્કિટ સ્થાપિત કરીને ડેટા ટ્રાન્સમિશન માટે ટ્રાન્ઝિટ લિંક બનાવવાની હતી. આ પહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સરકાર દરમિયાન પણ આ અંગે સહમતિ બની હતી. ભારતીય કંપની ભારતી એરટેલ લિમિટેડ સાથે સમિટ કોમ્યુનિકેશન્સ અને ફાઈબર એટ હોમ જેવી બાંગ્લાદેશી કંપનીઓએ આ પ્રસ્તાવ BTRC (બાંગ્લાદેશ ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી કમિશન)ને સુપરત કર્યો હતો.
યુનુસ સરકારે, BTRC દ્વારા, 1 ડિસેમ્બરે આ કરારને રદ કરવાનો આદેશ જારી કર્યો હતો. BTRC અનુસાર, બાંગ્લાદેશને આ ટ્રાન્ઝિટ સુવિધાથી કોઈ આર્થિક લાભ નહીં મળે, જ્યારે ભારતને ડિજિટલ કનેક્ટિવિટીમાં મોટો ફાયદો થશે. પરંતુ આ માત્ર આર્થિક કારણોસર લેવાયેલું પગલું ન હોઈ શકે.
આ નિર્ણય પાછળ વર્તમાન તણાવ મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. સમિટ કોમ્યુનિકેશન્સ અને ફાઈબર એટ હોમ જેવી કંપનીઓને શેખ હસીનાની પાર્ટી અવામી લીગની નજીકની માનવામાં આવે છે. સમિટ કોમ્યુનિકેશન્સના ચેરમેન મોહમ્મદ ફરીદ ખાન વરિષ્ઠ અવામી લીગ નેતા અને સાંસદ ફારિક ખાનના નાના ભાઈ છે. યુનુસ સરકારે આ કંપનીઓના પ્રભાવને ઘટાડવા અને તેમની સ્થિતિ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે. શેખ હસીનાની સરકાર ગયા બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સત્તા પર છે. મોહમ્મદ યુનુસે સત્તા સંભાળ્યા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા ચાલુ છે. વારંવાર વિરોધ છતાં યુનુસ સરકાર હિંદુઓ પરની હિંસા રોકવામાં નિષ્ફળ રહી.
હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યુનુસ સરકારના આ નિર્ણયની અસર બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર પડી શકે છે. આ ભારતીય પ્રોજેક્ટનો ઉદ્દેશ ઉત્તર-પૂર્વના દૂરના વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત કરવાનો હતો. પરંતુ યુનુસ સરકારનું આ પગલું ન માત્ર આ યોજનાને વિક્ષેપિત કરશે, પરંતુ પ્રાદેશિક સહયોગની શક્યતાઓ પર પણ સવાલો ઉભા કરશે.