ભારત અને રશિયા વચ્ચે વધતી નિકટતાના પગલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા જવાનું વિચારી રહેલા ભારતીયો માટે આ સારા સમાચાર હોઈ શકે છે. આ સમાચાર અનુસાર, ભારતીયોને ટૂંક સમયમાં રશિયામાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. 2025માં રશિયા એક નવી સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યું છે જેના હેઠળ આ પગલાં લઈ શકાય છે. આ વર્ષની શરૂઆતમાં, એવા અહેવાલ પણ આવ્યા હતા કે રશિયા અને ભારતે વિઝા-મુક્ત પ્રવાસી વિનિમયને લાગુ કરવા માટે વિઝા નિયંત્રણો ઘટાડવાના કરાર પર ચર્ચા કરી છે.
હાલમાં ભારતીય નાગરિકોને રશિયામાં પ્રવેશવા, રહેવા અને બહાર નીકળવા માટે દેશમાં રશિયન દૂતાવાસ દ્વારા જારી કરાયેલા વિઝાની જરૂર પડે છે. દસ્તાવેજો મેળવવા માટે લાંબી પ્રક્રિયા છે. મોટાભાગના ભારતીયો વ્યવસાયિક અથવા સત્તાવાર કારણોસર રશિયાની મુસાફરી કરે છે. જ્યારે 2023માં 60,000થી વધુ ભારતીયોએ રશિયાની મુલાકાત લીધી હતી. આ આંકડો 2022 કરતા 26 ટકા વધુ છે.
રશિયા હાલમાં તેના વિઝા-ફ્રી ટૂરિસ્ટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ચીન અને ઈરાનના પ્રવાસીઓને વિઝા-મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે. આ પહેલ અત્યાર સુધી રશિયા માટે સફળ સાબિત થઈ છે, તેથી જ રશિયા હવે ભારત માટે પણ તેનું પુનરાવર્તન કરી રહ્યું છે. હાલમાં ભારતને 62 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે.
દરમિયાન, ઓગસ્ટ 2023 થી, ભારતીયો રશિયાની મુલાકાત લેવા માટે ઇ-વિઝા માટે અરજી કરી શકે છે, જેની પ્રક્રિયામાં માત્ર ચાર દિવસનો સમય લાગે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગયા વર્ષે ઈ-વિઝાની સંખ્યાના સંદર્ભમાં ભારતે ટોચના પાંચ દેશોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.