Pakistan News: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં રવિવારે લશ્કરી કાર્યવાહીમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ અથડામણમાં એક કેપ્ટન સહિત પાકિસ્તાની સેનાના બે જવાનોએ પણ જીવ ગુમાવ્યો હતો. આ પ્રાંતમાં દ્રઝિંદાથી ડેરા ઈસ્માઈલ ખાન જઈ રહેલી બસને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના આતંકવાદીઓ દ્વારા સળગાવી દેવામાં આવી હતી અને મુસાફરોને ત્રાસ આપવામાં આવ્યો હતો.
પાકિસ્તાની સેનાએ પેશાવર જિલ્લાથી લગભગ 35 કિમી પશ્ચિમમાં આવેલા હસન ખેલ વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન શરૂ કર્યું હતું. સેનાએ પાંચ આતંકીઓને ઠાર કર્યા અને ત્રણને ઘાયલ કર્યા. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPRએ કહ્યું છે કે આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી.
આતંકવાદીઓએ બસને રોકી અને મુસાફરોને બળજબરીથી ઉતારી દીધા
બીજી તરફ ટીટીપીના આતંકવાદીઓએ દરબન તહસીલમાં બસને રોકી હતી અને મુસાફરોને બળજબરીથી ઉતારી દીધા હતા. પહેલા આતંકવાદીઓએ મુસાફરો પર અત્યાચાર કર્યો અને પછી સરકારને સમર્થન આપવા બદલ તેમને ધમકી આપી. બસને સંપૂર્ણપણે સળગાવી દીધા બાદ ટીટીપીના આતંકવાદીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા.