ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ને પાકિસ્તાનમાં તૈનાત કરવામાં આવશે. ટૂંક સમયમાં જ પાકિસ્તાન અને ચીન આ દિશામાં સમજૂતી કરવા જઈ રહ્યા છે. ચીનનું માનવું છે કે પાકિસ્તાન ચીની નાગરિકોની સુરક્ષા કરવામાં સક્ષમ નથી. તે ઈચ્છે છે કે PLA પાકિસ્તાનમાં ચીની નાગરિકોની સુરક્ષા કરે. તાજેતરના સમયમાં પાકિસ્તાનમાં ચીની નાગરિકોને નિશાન બનાવીને અનેક હુમલા કરવામાં આવ્યા છે. આનાથી શી જિનપિંગ સરકારની ચિંતા વધી ગઈ છે.
ચીની નાગરિકો બખ્તરબંધ વાહનોમાં ફરશે
સમજૂતી મુજબ હવે ચીનના નાગરિકોને બખ્તરબંધ વાહનો દ્વારા પાકિસ્તાનમાં પરિવહન સુવિધા પૂરી પાડવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલમાં હજારો ચીની નાગરિકો પાકિસ્તાનમાં કામ કરી રહ્યા છે. પરંતુ તેમના પર સતત થઈ રહેલા હુમલાએ બંને દેશોની ચિંતા વધારી દીધી છે. અગાઉ પાકિસ્તાને ચીની સેનાની તૈનાતીનો વિરોધ કર્યો છે. પરંતુ ચીનના ભારે દબાણને કારણે શાહબાઝ સરકારને ઝુકવું પડ્યું હતું.
BLAએ ચીનની ચિંતા વધારી
ચીન પાકિસ્તાનનું સૌથી મોટું રોકાણકાર છે. પાકિસ્તાનમાં અબજો ડોલરના ચીની પ્રોજેક્ટો વિદ્રોહીઓના નિશાના પર છે. ચીનનો સૌથી મોટો ડર બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) છે. BLA અનેક વખત ચીની નાગરિકો પર હુમલા કરી ચૂક્યું છે. તેણે બલૂચિસ્તાનમાં સ્થિત ગ્વાદર પોર્ટને ખાલી કરવાની ચેતવણી પણ આપી છે. પરંતુ ચીને આ બંદરમાં ભારે રોકાણ કર્યું છે. આ બંદર 50 અબજ ડોલરના ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો એક ભાગ છે.
આ રીતે ચીનના નાગરિકોની સુરક્ષા કરવામાં આવશે
ચીને પાકિસ્તાનને ચીની નાગરિકોની સુરક્ષા કડક કરવા જણાવ્યું હતું. આમ છતાં જ્યારે હુમલાઓ બંધ ન થયા તો ચીને પોતાની સેના તૈનાત કરવાનો નિર્ણય લીધો. ચીન અને પાકિસ્તાન સંયુક્ત સુરક્ષા કંપનીની સ્થાપના કરશે. કરાર અનુસાર, શી જિનપિંગની સેનાને ચીની નાગરિકોની સુરક્ષાના પ્રથમ વર્તુળમાં તૈનાત કરવામાં આવશે. આ પછી પાકિસ્તાન આર્મી અને પોલીસને આઉટર સર્કલમાં તૈનાત કરવામાં આવશે.
ચીન સામે પાકિસ્તાન કેમ ઝૂક્યું?
નિક્કી એશિયાના રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં ચીને પોતાની સેના સાથે ચીની નાગરિકોની સુરક્ષા માટે પાકિસ્તાન પાસે પરવાનગી માંગી હતી. પરંતુ પાકિસ્તાને તેમની માંગને ફગાવી દીધી હતી. આ દરમિયાન, દેવામાં ડૂબેલા પાકિસ્તાને ઘણી વખત ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી બેલઆઉટ પેકેજની માંગ કરી હતી. પણ સફળતા ન મળી. આ પછી ચીને વધુ રોકાણનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ શરત રાખવામાં આવી હતી કે ચીની સેના પાકિસ્તાનમાં તૈનાત રહેશે. ચીનના આ પ્રસ્તાવ સામે પાકિસ્તાનને ઝુકવું પડ્યું હતું.