Nigeria: મહિલા આત્મઘાતી બોમ્બરોએ નાઈજીરીયાના ઉત્તરીય પ્રદેશમાં ત્રણ સ્થળોએ આત્મઘાતી હુમલા કર્યા હતા, જેના પરિણામે અનેક લોકોના મોત થયા હતા. મહિલા આત્મઘાતી બોમ્બરોએ ઉત્તરી નાઇજીરીયામાં લગ્ન, અંતિમવિધિ અને એક હોસ્પિટલને નિશાન બનાવી હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા, સ્થાનિક અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું.
બોર્નો સ્ટેટ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ડાયરેક્ટર જનરલ બર્કિન્દો સૈદુએ પત્રકારોને જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વીય શહેર ગ્વોઝામાં લગ્ન સમારોહ દરમિયાન પ્રથમ બોમ્બ વિસ્ફોટ થયો હતો. બર્કિન્દો સૈદુએ કહ્યું, “થોડીવાર બાદ જનરલ હોસ્પિટલની નજીક બીજો વિસ્ફોટ થયો અને અંતિમ સંસ્કારની સેવામાં ત્રીજો હુમલાખોર શોક કરનારના વેશમાં આવ્યો હતો. મૃતકોમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ પણ સામેલ હતી. મૃતકો ઉપરાંત લગભગ 30 લોકો ઘાયલ.”
બોકો હરામના બળવા પછી સ્થિતિ વધુ વણસી ગઈ
મળતી માહિતી મુજબ, હુમલાની જવાબદારી તાત્કાલિક કોઈએ લીધી નથી. બોર્નો રાજ્ય 2009 માં બોકો હરામ ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ દ્વારા શરૂ કરાયેલ બળવાથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
બોકો હરામ ભૂતકાળમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોમાં મહિલાઓ અને છોકરીઓનો ઉપયોગ કરે છે, એવી શંકા વ્યક્ત કરવામાં આવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉગ્રવાદીઓએ અપહરણ કરેલા હજારો લોકોમાં કેટલાક હુમલાખોરો હતા, જેમાં શાળાના બાળકોનો પણ સમાવેશ થાય છે.
તાજા હુમલા પર દેશના રાષ્ટ્રપતિએ શું કહ્યું?
નાઇજીરીયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ એક નિવેદનમાં હુમલાઓને “આતંકવાદનું ભયાવહ કૃત્ય” અને “એક અલગ ઘટના” ગણાવી હતી.
તમને જણાવી દઈએ કે ચાડ તળાવની આસપાસની સરહદોમાં ફેલાયેલા આ બળવાએ 35,000 થી વધુ લોકોના જીવ લીધા છે, 2.6 મિલિયનથી વધુ લોકોને વિસ્થાપિત કર્યા છે અને એક મોટી માનવીય સંકટ સર્જી છે.
બોકો હરામ, જેની શાખા ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલી છે, તે નાઇજીરીયામાં ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવા માંગે છે. નાઇજીરીયા 170 મિલિયનની વસ્તી સાથે પશ્ચિમ આફ્રિકાની તેલ મહાસત્તા છે. આ દેશ દક્ષિણમાં મુખ્યત્વે ખ્રિસ્તી અને ઉત્તરમાં મુખ્યત્વે મુસ્લિમ છે.
બોર્નોમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોની વારંવારની ઘટનાએ આ વિસ્તારની સુરક્ષાની સ્થિતિ અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.
તાજેતરની ઘટના બાદ સત્તાવાળાઓએ શહેરમાં કર્ફ્યુ લાદી દીધો છે. ગ્વોઝા ચિબોકથી થોડા કિલોમીટર દૂર છે, જ્યાં 2014માં 276 સ્કૂલની છોકરીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. હાલમાં પણ 100 જેટલી યુવતીઓ કેદમાં છે. ત્યારથી અત્યાર સુધીમાં નાઈજીરિયામાં લગભગ 1,500 વિદ્યાર્થીઓનું અપહરણ કરવામાં આવ્યું છે.