પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાની વધતી જતી ઘટનાઓ વચ્ચે રવિવારે પાકિસ્તાની સરહદ પાસે થયેલા આતંકવાદી હુમલામાં ઈરાનના 5 સૈનિકો માર્યા ગયા છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNAએ એક અહેવાલમાં જણાવ્યું છે કે માર્યા ગયેલા સૈનિકો અર્ધલશ્કરી દળ રિવોલ્યુશનરી ગાર્ડના સ્વયંસેવક બાસીજ દળના બલૂચ સભ્યો હતા. રિપોર્ટ અનુસાર, આ હુમલો સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતના સરવાન શહેરમાં થયો હતો. અત્યાર સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી. અગાઉ ઈરાને કહ્યું હતું કે રિવોલ્યુશનરી ગાર્ડ દળોએ સૈન્ય કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને નવ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે શંકાસ્પદો કયા જૂથ સાથે સંકળાયેલા છે.
નોંધનીય છે કે ગયા મહિને અજ્ઞાત બંદૂકધારીઓએ આ વિસ્તારમાં રિવોલ્યુશનરી ગાર્ડના વડા સહિત ચાર લોકોની હત્યા કરી નાખી હતી. અગાઉ સપ્ટેમ્બરમાં સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં બે અલગ-અલગ હુમલામાં ચાર સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી જૂથ જૈશ અલ-અદલ દ્વારા લેવામાં આવી હતી. આ જૂથ વંશીય બલૂચ લઘુમતી માટે અધિકારોની માંગ કરે છે.