જોર્ડનના સત્તાવાળાઓએ ઇઝરાયેલ એમ્બેસી નજીક પોલીસ ટીમ પર ગોળીબાર કરવાના આરોપીને મારી નાખ્યો છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. દૂતાવાસ નજીક ફાયરિંગની ઘટનામાં ત્રણ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે.
ગોળીબારની આ ઘટના રવિવારે વહેલી સવારે જોર્ડનની રાજધાની અમ્માનના રાબિયા વિસ્તારમાં બની હતી. જોર્ડનના પબ્લિક સિક્યુરિટી ડિરેક્ટોરેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં એક વ્યક્તિ ગોળીબાર કરી રહ્યો હોવાની માહિતીનો જવાબ આપ્યો અને હુમલાખોરનો પીછો કર્યો.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હુમલાખોરનો પીછો કરવામાં આવ્યો અને તેને ઘેરી લેવામાં આવ્યો, ત્યારબાદ તેણે સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી જેમાં હુમલાખોર માર્યો ગયો.”
હુમલાખોરની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. ઈઝરાયેલ અને જોર્ડન વચ્ચે 1994માં શાંતિ સમજૂતી થઈ હતી, પરંતુ હમાસ સાથેના યુદ્ધ અને લેબનોનમાં ઈઝરાયેલના હુમલા બાદથી બંને દેશો વચ્ચે ઘણો તણાવ છે.