ઇઝરાયલે બુધવારે જણાવ્યું હતું કે ગાઝામાં બંધક બનાવવામાં આવેલા ૧૧ વધુ લોકોને આ અઠવાડિયામાં બે દિવસમાં મુક્ત કરવામાં આવશે. આમાં પાંચ થાઈ નાગરિકોનો સમાવેશ થાય છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું હતું કે તેમને હમાસ તરફથી આઠ બંધકોની ઓળખ કરતી યાદી મળી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી જ્યારે હમાસના અધિકારીઓએ ઇઝરાયલ પર ગાઝાને સહાય પુરવઠામાં વિલંબ કરવાનો અને કરારને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો.
ગાઝા યુદ્ધવિરામ 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના હુમલા દરમિયાન લેવામાં આવેલા ઇઝરાયલી બંધકોની મુક્તિ પર શરતી છે. બદલામાં, ઇઝરાયલી જેલમાંથી 1,900 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે.
અત્યાર સુધીમાં હમાસે 290 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં સાત બંધકોને મુક્ત કર્યા છે. ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે ગુરુવારે આઠ બંધકોને મુક્ત કરવામાં આવશે, જેમાં ત્રણ ઇઝરાયલી અને પાંચ થાઈ નાગરિકોનો સમાવેશ થાય છે. મુક્ત થનારા ઇઝરાયલી નાગરિકોના નામ આર્બેલ યહુદ, અગમ બર્જર અને ગાડી મોસેસ છે.
હમાસના બે વરિષ્ઠ અધિકારીઓએ ઇઝરાયલ પર સહાય પુરવઠામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો. આ પુરવઠામાં ગાઝાના પુનઃનિર્માણ માટે જરૂરી બળતણ, તંબુ, ભારે મશીનરી અને અન્ય સાધનોનો સમાવેશ થતો હતો. “આ રાહત સામગ્રી પહેલા અઠવાડિયામાં જ આવી જવી જોઈતી હતી,” એક અધિકારીએ જણાવ્યું.
આના પર પ્રતિક્રિયા આપતા, ઇઝરાયલી સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ તેને સંપૂર્ણપણે ખોટા સમાચાર ગણાવ્યા. “રવિવારથી બુધવાર સવાર સુધીમાં, 3,000 ટ્રક ગાઝામાં પ્રવેશ્યા છે. કરારમાં સાત દિવસમાં 4,200 ટ્રક દાખલ કરવાની માંગ કરવામાં આવી છે,” પ્રવક્તાએ જણાવ્યું.
તમને જણાવી દઈએ કે આ કરાર 2023 માં હમાસના ઇઝરાયલ પર હુમલા પછી ચાલી રહેલા 15 મહિનાના યુદ્ધનો અંત લાવવા માટે છે. બંને પક્ષો હાલમાં કરારના પહેલા 42-દિવસના તબક્કાનો અમલ કરી રહ્યા છે, જેમાં 33 બંધકોને મુક્ત કરવામાં આવશે.