થેસ્સાલોનિકી: ગ્રીસના બીજા સૌથી મોટા શહેર થેસ્સાલોનિકીમાં બુધવારે મોડી રાત્રે વિરોધ કરી રહેલા ખેડૂતોની પોલીસ સાથે અથડામણ થઈ. અગાઉ તેઓએ વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ જ્યાં ભાષણ આપી રહ્યા હતા તે સ્થળની નજીક સુરક્ષા ઘેરો તોડવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં કોઈના ઘાયલ થવાના કે ધરપકડ થવાના તાત્કાલિક કોઈ સમાચાર નથી.
ટ્રેક્ટરો દ્વારા રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા
મધ્ય ગ્રીસથી 1,000 થી વધુ વિરોધીઓ લગભગ 50 ટ્રેક્ટરના કાફલામાં ઉત્તરીય શહેરમાં પહોંચ્યા. રાત્રે રેલી દરમિયાન ખેડૂતોએ કાળા ઝંડા લહેરાવ્યા અને ઇમરજન્સી લાઇટો પ્રગટાવીને થેસ્સાલોનિકીમાં મુખ્ય રસ્તાઓ પર પોતાના ટ્રેક્ટરો લગાવ્યા. આ સમય દરમિયાન વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરના મહિનાઓમાં સમગ્ર યુરોપમાં ખેડૂતો દ્વારા આવા જ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે. ગ્રીસમાં કૃષિ સંગઠનો ઘણા અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં આબોહવા પરિવર્તનને કારણે પાકના નુકસાન સહિત વિવિધ મુદ્દાઓ પર સરકારી સમર્થનની માંગ કરવામાં આવી રહી છે. મધ્ય ગ્રીસના ટેસાલીમાં આ ચળવળને વેગ મળ્યો છે, જ્યાં 2023ના અંતમાં આવેલા વિનાશક પૂર પછી ખેડૂતો હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે.