ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હુમલા ચાલુ છે. ગાઝામાં એક વેન પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 5 પત્રકારોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હવાઈ હુમલો એક હોસ્પિટલ નજીક કરવામાં આવ્યો છે.
સ્થાનિક અધિકારીઓએ એજન્સીને જણાવ્યું છે કે વાનમાં હાજર તમામ પત્રકારો કવરેજ માટે ત્યાં પહોંચ્યા હતા, આ દરમિયાન તેમના વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો અને પેલેસ્ટિનિયન અધિકારીઓનો દાવો છે કે આ હવાઈ હુમલો ઈઝરાયેલ દ્વારા કરવામાં આવ્યો હતો, જો કે હજુ સુધી ઈઝરાયેલ તરફથી આ મામલે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
કહેવામાં આવી રહ્યું છે કે આજે (26 ડિસેમ્બર) વહેલી સવારે એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. તમામ પત્રકારો એક વેનમાં સવાર થઈને કવરેજ માટે મધ્ય ગાઝાના નુસરતની અલ-અવદા હોસ્પિટલ પહોંચ્યા. સ્થાનિક લોકોનું કહેવું છે કે વાન પર મીડિયા ટેગ પણ ચોંટાડવામાં આવ્યું હતું.
રાહત શિબિરને કવર કરવા માટે પત્રકારો પહોંચ્યા હતા
મળતી માહિતી મુજબ, પત્રકારો કવરેજ માટે હોસ્પિટલ પાસેના રાહત શિબિરમાં પહોંચ્યા હતા. તમામ પત્રકારો અલ-કુદસ અલ-યુમ ટેલિવિઝન ચેનલ માટે કામ કરતા હતા. આ હુમલા સિવાય ગાઝાના જિતૂનમાં એક ઘર પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં 20 લોકો ઘાયલ પણ થયા છે. 20 લોકો ઘાયલ છે, એવી આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા છે.
હમાસના હુમલામાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા હતા
તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયેલમાં હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ બંને વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસના આ હુમલામાં એક હજારથી વધુ ઈઝરાયેલના લોકો માર્યા ગયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી ઈઝરાયેલ ગાઝા પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. ઈઝરાયેલનું કહેવું છે કે જ્યાં સુધી બંધક બનાવાયેલા ઈઝરાયેલના નાગરિકો પરત નહીં આવે ત્યાં સુધી ગાઝા અને હમાસના લક્ષ્યાંકો પરના હુમલા બંધ નહીં થાય.