Tsunami
Earthquake:યુરોપ અને અમેરિકા ખંડના બે દેશોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમેરિકન ખંડના દેશ અલ સાલ્વાડોરમાં બુધવારે બપોરે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ જિયોલોજિકલ સર્વેના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. જો કે હજુ સુધી જાનમાલના નુકશાનના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી. સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું છે કે લા લિબર્ટાડના પશ્ચિમી ક્ષેત્રના દરિયાકાંઠે 60 કિલોમીટર દૂર આવેલા ભૂકંપે અલ સાલ્વાડોરના મોટા ભાગને હચમચાવી નાખ્યું હતું.
આ ભૂકંપ પછી વધુ બે આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 4.1 અને 4.5 હતી. પાડોશી દેશ ગ્વાટેમાલામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બુકેલે દ્વારા શેર કરાયેલા અહેવાલો અનુસાર, ભૂકંપ પછી સુનામીનો કોઈ ખતરો નહોતો.
Tsunami
ગ્રીસના ક્રેટ ટાપુ પર 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
એ જ રીતે યુરોપિયન ખંડ ગ્રીસમાં પણ મોટો ભૂકંપ અનુભવાયો હતો. બુધવારે દક્ષિણ ગ્રીસના ક્રેટમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, કોઈ ઈજા કે નુકશાન અંગે તાત્કાલિક કોઈ માહિતી નથી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. એથેન્સ જિયોડાયનેમિક ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું કે ક્રેટ અને ગાવડોસ ટાપુની વચ્ચે સ્થાનિક સમય અનુસાર સાંજે 7:29 વાગ્યે સમુદ્રની અંદર ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ 11.6 કિલોમીટર હતી. ફાયર વિભાગે જણાવ્યું હતું કે તેને કોઈ ઈજા કે ઈમારતોને નુકસાન થયાના કોઈ પ્રાથમિક અહેવાલ મળ્યા નથી. 29 ઓગસ્ટ (એપી)