ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી કેનેડા અને મેક્સિકોથી થતી આયાત પર 25 ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ ચર્ચામાં છે. ટ્રમ્પ દ્વારા આ પગલું અમેરિકાની વેપાર પ્રણાલીમાં ફેરફારના ભાગ રૂપે લેવામાં આવ્યું છે, જેનો હેતુ અમેરિકન નાગરિકો અને પરિવારોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો છે. આ પ્રસ્તાવ બાદ, કેનેડાએ તેના પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે, જેનાથી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ વધવાની શક્યતા છે.
રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી, ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો કે તેઓ ટૂંક સમયમાં અમેરિકાની વેપાર વ્યવસ્થામાં ફેરફાર કરશે. તેમણે કહ્યું કે અમેરિકા તેના નાગરિકો પર કર લાદીને અન્ય દેશોને ધનવાન નહીં બનાવે, પરંતુ તેના બદલે અન્ય દેશો પર ટેરિફ લાદીને અમેરિકન તિજોરી ભરવાની યોજના ધરાવે છે. ઓવલ ઓફિસમાં, તેમણે કહ્યું કે મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લાદવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે અને આ પગલું 1 ફેબ્રુઆરીથી અમલમાં આવી શકે છે. આ નિવેદનથી કેનેડા અને મેક્સિકોમાં ખળભળાટ મચી ગયો છે.
કેનેડાનો જવાબ
કેનેડાના નાણામંત્રી ડોમિનિક લેબ્લેન્ક અને વિદેશમંત્રી મેલોની જોલીએ ટ્રમ્પના નિવેદન પર ચિંતા વ્યક્ત કરી છે. મેલોની-જોલીએ જણાવ્યું હતું કે કેનેડા ટેરિફ રોકવા માટે કામ કરવાનું ચાલુ રાખશે અને જો તે લાગુ કરવામાં આવે તો જવાબ આપવા માટે તૈયાર છે. નાણામંત્રી લેબ્લેન્કે કહ્યું કે કેનેડા ટ્રમ્પના અણધાર્યા પગલાં માટે સંપૂર્ણપણે તૈયાર છે.
યુએસ-કેનેડા વેપાર સંબંધો
અમેરિકાના તેલ વપરાશનો એક ચતુર્થાંશ ભાગ કેનેડામાંથી આવે છે. આલ્બર્ટા દરરોજ 4.3 મિલિયન બેરલ તેલ અમેરિકામાં નિકાસ કરે છે. વધુમાં, કેનેડા દરરોજ 36 યુએસ રાજ્યોને આશરે 3.6 બિલિયન કેનેડિયન ડોલરના મૂલ્યના માલ અને સેવાઓ પૂરા પાડે છે. આ વેપાર સંબંધો હોવા છતાં, ટ્રમ્પનું નિવેદન કે અમેરિકાને કેનેડા પાસેથી તેલ કે અન્ય કોઈ વસ્તુની જરૂર નથી, તે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ તણાવપૂર્ણ બનાવી શકે છે.