બાંગ્લાદેશમાં શેખ મુજીબુર રહેમાનના વારસાને ભૂંસી નાખવાનો વ્યવસ્થિત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને હવે આ પ્રયાસના ભાગરૂપે બાંગ્લાદેશના પાઠ્ય પુસ્તકોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર હેઠળ જણાવવામાં આવ્યું છે કે વર્ષ 1971માં બાંગ્લાદેશની આઝાદીની જાહેરાત સૌપ્રથમ શેખ મુજીબુર રહેમાને નહીં પણ ઝિયા ઉર રહેમાને કરી હતી. અત્યાર સુધી બાંગ્લાદેશની આઝાદીની ઘોષણાનો શ્રેય શેખ મુજીબુર રહેમાનને આપવામાં આવતો હતો.
આ ફેરફાર અભ્યાસક્રમમાં કરવામાં આવ્યો છે
બાંગ્લાદેશી મીડિયા અનુસાર, નવા પાઠ્યપુસ્તકોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં શેખ મુજીબુર રહેમાનને આપવામાં આવેલ ‘રાષ્ટ્રપિતા’નું બિરુદ હટાવવાનો સમાવેશ થાય છે. 2025 શૈક્ષણિક વર્ષ માટેના નવા પાઠ્યપુસ્તકો જણાવશે કે ’26 માર્ચ, 1971ના રોજ, ઝિયાઉર રહેમાને બાંગ્લાદેશની આઝાદીની ઘોષણા કરી અને 27 માર્ચે, તેમણે બંગબંધુ વતી સ્વતંત્રતાની બીજી ઘોષણા કરી.’ બાંગ્લાદેશી મીડિયાએ રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તક બોર્ડના અધ્યક્ષ પ્રોફેસર એકેએમ રેજુલ હસનને ટાંકીને આ માહિતી આપી છે.
પાઠ્યપુસ્તકોમાં ફેરફારની પ્રક્રિયા સાથે સંકળાયેલા સંશોધક રખાલ રાહાએ જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તકોમાંથી અતિશયોક્તિપૂર્ણ અને લાદવામાં આવેલા ઈતિહાસને દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ‘પાઠ્યપુસ્તકોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાકિસ્તાની સેના દ્વારા ધરપકડ કરવામાં આવતા પહેલા શેખ મુજીબુર રહેમાને એક વાયરલેસ સંદેશમાં બાંગ્લાદેશની આઝાદીની જાહેરાત કરી હતી, પરંતુ એવું કોઈ તથ્ય મળ્યું ન હતું, ત્યાર બાદ જ તેને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.’ અવામી લીગના સમર્થકો માને છે કે શેખ મુજીબુર રહેમાને દેશની આઝાદીની ઘોષણા કરી હતી અને તે સમયે સેનામાં રહેલા ઝિયાઉર રહેમાને મુજીબની સૂચના પર જ ઘોષણા વાંચી હતી.
બાંગ્લાદેશી ચલણમાંથી મુજીબુર રહેમાનની તસવીર હટાવવાની તૈયારી
બાંગ્લાદેશની નોટોમાંથી શેખ મુજીબુર રહેમાનની તસવીર હટાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જ્યારથી શેખ હસીના ગયા વર્ષે 5 ઓગસ્ટે સત્તામાંથી બહાર થઈ ગયા હતા અને તેમણે દેશ છોડ્યો હતો ત્યારથી શેખ મુજીબુર રહેમાનના વારસાને ભૂંસી નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. શેખ મુજીબુર રહેમાનની હત્યાની તારીખ 15 ઓગસ્ટની રજા પણ નાબૂદ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઝિયા ઉર રહેમાનની પત્ની ખાલિદા ઝિયાની પાર્ટી BNPએ શેખ હસીનાની સરકારને સત્તા પરથી હટાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.