રશિયન સંરક્ષણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે યુક્રેને ગઈકાલે રાત્રે રશિયા પર 337 ડ્રોનથી હુમલો કર્યો હતો, જેને રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. આ ત્રણ વર્ષમાં રશિયા પર થયેલો સૌથી મોટો ડ્રોન હુમલો માનવામાં આવે છે. આ અંગે મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને કહ્યું કે રશિયન સુરક્ષા દળોએ 337 થી વધુ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા છે.
કુર્સ્ક ક્ષેત્રમાં ૧૨૬ ડ્રોન તોડી પાડવામાં આવ્યા
હુમલા દરમિયાન, મોસ્કોની આસપાસના રામેન્સ્કી અને ડોમોડેડોવો જિલ્લામાં ઓછામાં ઓછા 11 ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન, મોસ્કો તરફ આગળ વધી રહેલા ઘણા ડ્રોનને સુરક્ષા દળોએ તોડી પાડ્યા હતા. માહિતી અનુસાર, યુક્રેન સરહદને અડીને આવેલા કુર્સ્ક ક્ષેત્રમાં સૌથી વધુ ૧૨૬ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. મોસ્કો ક્ષેત્રમાં કુલ 91 ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો. હુમલાથી પ્રભાવિત અન્ય પ્રદેશોમાં બેલ્ગોરોડ, બ્રાયન્સ્ક, વોરોનેઝ, કાલુગા, લિપેટ્સક, નિઝની નોવગોરોડ, ઓરિઓલ અને રાયઝાનનો સમાવેશ થાય છે.
ઘણા વિસ્તારોમાં હવાઈ ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
મોસ્કોના મેયરે વધુમાં જણાવ્યું હતું કે ડોમોડેડોવો, વનુકોવો, શેરેમેટ્યેવો અને ઝુકોવ્સ્કી એરપોર્ટ પર ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી. ડોમોડેડોવો રેલ્વે સ્ટેશન પર ટ્રેન સેવા પણ અસ્થાયી રૂપે ખોરવાઈ ગઈ હતી. આ ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને ત્રણ ઘાયલ થયા છે; એક ઇમારતની છતને થોડું નુકસાન થયું છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સાઉદી અરેબિયામાં યુક્રેનિયન પ્રતિનિધિમંડળ અને યુએસ રાજદ્વારીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. મોસ્કો પરના આ હુમલાને તાજેતરના મહિનાઓમાં સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.