ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે નેપાળના ગંડકી પ્રાંતમાં સ્થિત મુક્તિનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યાં પૂજા કરી હતી. આ મંદિરનું હિન્દુ અને બૌદ્ધ બંને ધર્મમાં વિશેષ ધાર્મિક મહત્વ છે.
નેપાળ આર્મી હેડક્વાર્ટરના સૂત્રોએ જણાવ્યું હતું કે જનરલ દ્વિવેદીએ પોખરામાં નેપાળ આર્મીના પશ્ચિમ વિભાગના મુખ્યાલયની પણ મુલાકાત લીધી હતી, જ્યાં મેજર જનરલ સંતોષ બલ્લભ પૌડ્યાલે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
નેપાળના આર્મી ચીફ જનરલ અશોક સિગડેલના આમંત્રણ પર જનરલ દ્વિવેદી બુધવારે નેપાળની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે કાઠમંડુ પહોંચ્યા હતા. જનરલ દ્વિવેદીને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ દ્વારા નેપાળ આર્મીના જનરલની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. શુક્રવારે તેઓ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને સંરક્ષણ પ્રધાન મનબીર રાયને પણ મળ્યા હતા અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.