રાજ્યમાં ટ્રાફિકમાં ફરજ પર રહેલા TRB જવાનો ફિક્સ પગારમાં વધારાને લઈને છેલ્લા કેટલાક સમયથી માગ કરી રહ્યાં છે, ત્યારે તેમની માગ સામે સંતોષકારક જવાબ ન મળતા આખરે TRBના જવાનો પગાર વધારા સહિતની માગને લઈને આજથી હડતાળ પર ઉતર્યા છે.
મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો હાલમાં TRBમાં ફરજ બજાવતા જવાનોને રોજના 300 રૂપિયા લેખે પગાર મળે છે, ત્યારે જવાનોની માંગ છે કે 300ની સામે 500 રૂપિયા પગાર ચૂકવવામાં આવે. જ્યારે હવે અમદાવાદના 1600થી વધુ TRB જવાનો સહિત રાજ્યભરના આશરે 10 હજાર જેટલા જવાનો ટ્રાફિક પોઇન્ટ પર ઊભા રહેશે નહીં અને નક્કી કરેલી જગ્યાએ હડતાળ કરશે.
જો કે મહત્વનું છે કે ગયા વર્ષે પણ જવાનો હડતાળ પર ઉતરતા સરકારે જવાનોના હિતમાં નિર્ણય કરવાનો વાયદો આપ્યો હતો. પરંતુ કોઇ નિર્ણય ન લેવાતા હવે હડતાળ પર ઉતર્યા છે. સોમવારે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે જવાનો હડતાળ પર બેઠા હતા ત્યારે આજે તેઓ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓની રજૂઆત કરશે.
ઉગ્ર આંદોલનની ચિમકી
સરકારે ચૂંટણી સમયે પગાર વધારાનો વાયદો કર્યો બાદ TRB જવાનોને તેનો લાભ મળ્યો નથી, ફક્ત વાયદાઓ જ કરવામાં આવે છે. સમગ્ર વિવાદને એક વર્ષ થવા છતાં પણ પગારવધારો ન કરાતા આખરે TRB જવાનોએ ઉગ્ર આંદોલન ચિમકી ઉચ્ચારી છે.