જળ સંચય અને જળ સિંચાઈ આજના સમયની જરૂરીયાત છે. જેને ધ્યાને રાખી રાજ્યમાં જળ સંગ્રહ માટે ‘સુજલામ સુજલામ’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનના ફલશ્રુતિરૂપે છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે ૩૩ હજારથી વધુ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના થકી પાણીદાર ગુજરાતનું નિર્માણ થયું છે.
‘ખેતી માટે પાણી’ અને ‘ઘર- ઘર સુધી શુદ્ધ પેયજળ’ પહોચાડવાના ઉમદા આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩માં ‘સુજલામ સુફલામ’ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના આજે અન્ય રાજ્યો માટે આદર્શ મોડલ બન્યું છે. વડાપ્રધાન એ આપેલો ‘સુજલામ સુફલામ’નો વિચાર આજે વટવૃક્ષ બની ચૂક્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર આ અભિયાનને મહાઅભિયાન બનાવી ‘જળ એ જ જીવન’ની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહી છે. વર્ષ ૨૦૨૩માં ૨૩,૭૨૫ અને વર્ષ ૨૦૨૪માં ૯,૩૭૪ કામો એમ કુલ ૩૩,૦૯૯ કામો પૂર્ણ થયા છે.
ઉપરાંત વર્ષ ૨૦૨૩માં ૨૧,૪૨૫ લાખ ધન ફૂટ અને વર્ષ ૨૦૨૪માં ૧૧,૫૨૩ લાખ ધન ફૂટ એમ છેલ્લા બે વર્ષમાં કુલ ૩૨,૯૪૮ લાખ ધન ફૂટ પાણી સંગ્રહ શક્તિમાં વધારો થયો છે. જ્યારે વર્ષ ૨૦૨૩માં ૬,૭૬૫ કિ.મી. અને વર્ષ ૨૦૨૪માં ૨,૬૧૬ કિ.મી. એમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં ૯,૩૮૧ કિ.મી. નેહરો અને કાંસની સાફ સફાઈ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૩માં ૭,૫૦૪ અને વર્ષ ૨૦૨૪માં ૧,૯૭૬ એમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં ૯,૪૮૦ તળાવોને ઊંડા કરાયા છે.
સાથે જ, વર્ષ ૨૦૨૩માં ૫,૧૫૯ અને વર્ષ ૨૦૨૪માં ૨,૬૧૬ એમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં ૭,૭૭૫ ચેકડેમ ડિસીલ્ટીંગના કામો થયા છે. જ્યારે વર્ષ ૨૦૨૩માં ૧,૦૨૯ અને વર્ષ ૨૦૨૪માં ૮૮૫ એમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં ૧,૯૧૪ ચેકડેમ રિપેરિંગના કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે.
આ અભિયાન થકી રાજ્યમાં સુકા પડેલા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સમસ્યા હલ થવાની સાથે સાથે વર્ષ ૨૦૨૪માં ૭.૪૯ લાખ માનવદિનની રોજગારી પણ ઉત્પન્ન થઇ છે તેમ, પાણી પૂરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે.