Butterfly Garden: એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના સ્થળો આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સતત નવા પ્રવાસન આકર્ષણો વિકસિત કરવામાં આવી રહ્યા છે, જે પ્રવાસીઓને એક સુખદ પ્રવાસનો અનુભવ આપે છે. મા નર્મદાના શાંત કિનારે આવું જ એક આહ્લાદક પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે વિકસિત કરવામાં આવ્યું છે, બટરફ્લાય ગાર્ડન! આ ગાર્ડનમાં પ્રવાસીઓ વિવિધ પ્રજાતિના પતંગિયાઓને નિહાળી શકે છે. 10 એકરમાં ફેલાયેલા બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ તેમજ પરાગ રજકણો અને યજમાન છોડ (હોસ્ટ પ્લાન્ટ્સ)ની 150 પ્રજાતિઓ આવેલી છે. આ પરાગ રજકણો અને યજમાન છોડ પતંગિયાઓને પોષણ તેમજ તેમના ઇંડા મૂકવા માટેનું સ્થાન પ્રદાન કરે છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતમાં એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના પરિસરને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાનું વિઝન આપ્યું હતું, જે આજે સાકાર થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શક નેતૃત્વ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA), એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા અને તેમનો અનુભવ સુખદ બનાવવા સતત કાર્યરત છે.
બટરફ્લાય ગાર્ડનની વિશેષતાઓ
1. પરાગ રજકણો અને યજમાન છોડ:
પતંગિયાની પ્રત્યેક પ્રજાતિનો પોતાનો એક યુનિક યજમાન છોડ હોય છે. બટરફ્લાય ગાર્ડનમાં રહેલી પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ માટે તેમની વિવિધ આવશ્યકતાઓને પૂરી કરવાના હેતુસર 70 અલગ-અલગ યજમાન છોડવાઓ ઉગાડવામાં આવ્યા છે. ઉહાદરણ તરીકે, પ્લેઇન ટાઇગર બટરફ્લાય અકરા નામના છોડ તરફ આકર્ષિત થાય છે, કોમન ક્રૉ નામનું પતંગિયું કનેર છોડને પસંદ કરે છે, એવી જ રીતે લાઇમ બટરફ્લાય લીંબુડી પ્રત્યે આકર્ષિત થાય છે.
Butterfly Garden
2. પતંગિયાઓની વિવિધ પ્રજાતિઓ
બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાની વિવિધ 70 પ્રજાતિઓ પ્રવાસીઓને જોવા મળે છે, જેમાં કોમન ક્રૉ, પ્લેઇન ટાઇગર, બ્લૂ ટાઇગર, સ્ટ્રાઇપ્ડ ટાઇગર, ગ્લાસી ટાઇગર, મોટલ્ડ એમિગ્રન્ટ, લેમન પેન્સી, ચોકલેટ પેન્સી, પીકોક પેન્સી, કોમન રોઝ, ક્રિમસન રોઝ, બ્લેક રાજા, ઇન્ડિયન જેઝબેલ, એગફ્લાય, પેઇન્ટેડ લેડી, પ્લેઇન ક્યુપિડ, સનબીમ, લાઇમ સ્વેલોટેઇલ, રેડ હેલન, બ્લૂ મોરમોન, ઇવનિંગ બ્રાઉન, રેડ પેરોટ વગેરે જેવી પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
3. પતંગિયાઓનું જીવનચક્ર:
બટરફ્લાય ગાર્ડનમાં પ્રવાસીઓ પતંગિયાઓનું આખું જીવનચક્ર નિહાળી શકે છે. પતંગિયાઓનું જીવન ઇંડાથી શરૂ થાય છે, જેમાંથી થોડાક જ સમય પછી નાનકડી ઇયળ બહાર આવે છે. ઇયળ બહાર આવ્યા પછી ખાઉધરાની જેમ ખોરાક લે છે, ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે છે અને પતંગિયામાં પરાવર્તિત થવા માટે તૈયાર થાય છે. ત્યારબાદ, તે ‘પ્યૂપા’ (ક્રિસાલિસ) તબક્કામાંથી પસાર થાય છે, એટલે કે રક્ષણાત્મક આવરણની અંદર એક ઉલ્લેખનીય પરિવર્તનમાંથી પસાર થાય છે. લગભગ 25 દિવસ પછી તેમાંથી એક સંપૂર્ણ પતંગિયું બનીને બહાર આવે છે. પતંગિયાઓનું આયુષ્ય 2 થી 4 અઠવાડિયાનું હોય છે, જે દરમિયાન તેઓ પરાગનયનની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બટરફ્લાય ગાર્ડનમાં ‘ઘૂઘરા’ અને ‘હાથી સૂંઢી’ નામના બે વિશિષ્ટ પ્રકારના છોડ છે, જે ફક્ત નર પતંગિયાઓને જ આકર્ષે છે.
4. બટરફ્લાય ગાર્ડન ખાતે ફોટો પોઇન્ટ
બટરફ્લાય ગાર્ડનમાં ત્રણ ફોટો પોઇન્ટ્સ આવેલા છે, 1) સેલ્ફી પોઇન્ટ, 2) બટરફ્લાય લાઇફ સાયકલ અને 3) બટરફ્લાય ગાર્ડનનું પ્રવેશદ્વાર. પ્રવાસીઓ આ પોઇન્ટ્સ પર ફોટા પાડીને પોતાના યાદગાર અનુભવો તસવીરમાં કેદ કરી શકે છે.