પોરબંદર નજીક બંને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ડિવાઇડર તોડી પાડવામાં આવ્યા છે. તેથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. પોરબંદર-રાજકોટ અને દ્વારકા-સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નાના વાહનોની અવરજવર માટે બનાવેલા રસ્તાઓને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.
પોરબંદરથી રાજકોટ અને દ્વારકા-પોરબંદર-સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અનેક જગ્યાએ ડિવાઇડર તૂટી ગયા છે અને નાના વાહનોની અવરજવર માટે રસ્તા બનાવવામાં આવ્યા છે. જેના કારણે અનેક નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે. ધરમપુર અને વનાણા વચ્ચેના ઓવરબ્રિજ પાસેના સૌથી ખતરનાક ખાડાને કારણે થતા અકસ્માતોમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. છતાં નેશનલ હાઇવે ઓથોરિટી જાગી રહી નથી. ટોલ બૂથ અહીંથી ખૂબ નજીક છે અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ અને અન્ય સ્ટાફ આ રસ્તા પર વાહન ચલાવી રહ્યા છે અને આ પરિસ્થિતિ તેમની નજર સામે હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. રંગબાઈથી બોખીરા સુધીના હાઇવે પર અનેક જગ્યાએ રોડ ડિવાઇડર પણ તૂટી ગયા છે. તેથી, નેશનલ હાઇવે ઓથોરિટીએ પોતાની આળસ દૂર કરવી અને તાત્કાલિક તેનું સમારકામ કરાવવું જરૂરી બની ગયું છે.