Rajkot Game Zone Fire : ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને ગુજરાતના રાજ્યસભાના સભ્ય રામ મોકરિયાએ દાવો કર્યો હતો કે તેમણે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાંથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવા માટે 70,000 રૂપિયાની લાંચ આપી હતી. રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોનમાં આગની ઘટનાના થોડા દિવસો બાદ મોકરિયાનું આ નિવેદન આવ્યું છે.
રાજકોટ ગેમિંગ ઝોનમાં આગમાં 27 લોકોના મોત થયા હતા અને કથિત રીતે ફાયર સેફ્ટી ક્લિયરન્સ સર્ટિફિકેટ વિના ગેમિંગ ઝોનનું સંચાલન કરવામાં આવ્યું હતું. ગુરુવારે (30 મે) ના રોજ મીડિયા સાથે વાત કરતા, રામ મોકરિયાએ રાજકોટમાં “વ્યાપક ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવાનો તેમનો અંગત અનુભવ” શેર કર્યો.
રાજ્યસભાના સભ્યએ શું કહ્યું?
રાજકોટના ભાજપના નેતાએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે પાંચ વર્ષ પહેલા જ્યારે તેઓ રાજ્યસભામાં ચૂંટાયા ન હતા અને માત્ર એક વેપારી હતા ત્યારે તેમણે ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે. થીબાને લાંચ આપી હતી. મોકરિયા એક જાણીતી કુરિયર કંપનીના સ્થાપક ચેરમેન છે. તેઓ 2021માં ગુજરાતમાંથી સંસદના ઉપલા ગૃહમાં ચૂંટાયા હતા.
‘NOC માટે 70 હજાર રૂપિયા આપ્યા’
રાજ્યસભાના સભ્ય રામ મોકરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, “મેં થેબાને પાંચ વર્ષ પહેલાં એક પ્રોજેક્ટના સંબંધમાં ફાયર સેફ્ટી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવા માટે 70,000 રૂપિયા આપ્યા હતા. મને ખબર પડી છે કે હવે પોલીસ તેની સામે કાર્યવાહી કરશે. ગેમ ઝોનમાં આગના કિસ્સામાં (થેબા) તેની કથિત ભૂમિકા માટે પૂછપરછ કરી રહ્યો છે, હું ફક્ત તે દર્શાવવા માંગુ છું કે આ અંગે મેં અગાઉ પણ અવાજ ઉઠાવ્યો હતો.
‘રાજકોટના આ અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે’
બીજેપી નેતાના કહેવા પ્રમાણે, તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા બાદ ફાયર ઓફિસરે તેમને લાંચની રકમ પરત કરી દીધી હતી. રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, “બધે જ ભ્રષ્ટાચાર છે એ બધા જાણે છે. હું ઘણા સમયથી ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડી રહ્યો છું. તાજેતરમાં મેં ખુલ્લેઆમ કહ્યું હતું કે, રાજકોટના ટાઉન પ્લાનિંગ અધિકારીઓ છેલ્લા 10 વર્ષથી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે.”
ગેમ ઝોન અકસ્માતમાં 27ના મોત
25 મેના રોજ રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના કરૂણ મોત થયા હતા. આ ઘટના બાદ ગુજરાત સરકારે બે પોલીસ ઈન્સ્પેક્ટર સહિત સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.