Gujarat High Court: ‘રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકો જીવતા હોમાયા હતા. આ મામલે આજે ફરીથી ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. રાજકોટના ગેમઝોનમાં બનેલી દુર્ઘટનાને લઈને હાઈકોર્ટે પણ સુઓમોટો દાખલ કરી છે. જેને લઈને હાઈકોર્ટમાં સ્પેશિયલ ડિવિઝન બેચમાં સુનાવણી ચાલી રહી છે. ગુજરાત હાઇકોર્ટે પ્રોગ્રેસ એહેવાલ 13 જૂન સુધી આપવા માટે સૂચના આપી છે. નોંધનીય છે કે, વધુ સુનાવણી 13 જૂન પર મુલતવી રખાઇ છે.
માત્ર ટ્રાન્સ્ફર આપો તે પુરતું નથી’
ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સરકારનો પક્ષ મુકી રહ્યા છે. રાજ્ય સરકાર અને મહાનગર પાલિકા તરફથી રજૂ કરાયેલા સોગંદનામાં પર દલીલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે કહ્યું કે, SIT રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરીશું. ઘટના બાદ તાત્કાલિક પગલાંઓ લેવામાં આવ્યા હતા. કમિશનરોને કોઈ પોસ્ટિંગ વિના ટ્રાન્સફર આપવામાં આવ્યુ છે. સરકારની આ દલીલો પર કોર્ટે ટાંક્યું કે, શું તમે કમિશનરો સહિત કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી ફિક્સ કરશો? માત્ર ટ્રાન્સ્ફર આપો તે પુરતું નથી. શુ રાજ્ય સરકાર કમિશનરના એફિડેવિટથી સંતુષ્ટ છે? આ સાથે કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે, દુર્ઘટનાના જવાબદારો સામે હત્યાનો ગુનો કેમ ન નોંધાય?
ડિમોલેશનની નોટિસ બાદ પણ કોઈ પગલાં લેવાયા નથી’
એડવોકેટ જનરલે (એજી) કોર્ટને જણાવ્યુ હતુ કે, અમે આ એફિડેવિટ કંસિડર નથી કરી રહ્યા છે અમે SITના રીપોર્ટની રાહ જોઈ રહ્યા છે. SITના પ્રાથમિક રિપોર્ટ બાદ સસ્પેન્ડ અને ટ્રાન્સફરની કાર્યવાહી કરી છે. જેની સામે કોર્ટે ટિપ્પણી કરી કે, ટ્રાન્સફર કરવું એ પૂરતું નથી. ડિમોલેશનની નોટિસ બાદ પણ કોઈ પગલાં લેવાયા નથી. જેની સામે એજીએ જણાવ્યુ હતુ કે, તમામ વિરૂદ્ધ કાર્યવાહી કરાઇ છે અને SIT ના રિપોર્ટ બાદ કોઈને છોડવામાં નહિ આવે.
‘બીજી કોઈ દુર્ઘટના બને એ પહેલા આ કાર્યવાહી કરશો?’
આ ઉપરાંત હાઇકોર્ટે જણાવ્યુ કે, ફાયર સેફ્ટીને લઈ ડિવિઝન બેન્ચ જવાબદારી નક્કી કરી ચૂક્યું છે એ આધારે કાર્યવાહી કરવી જોઈએ. જેની સામે એજીએ જણાવ્યુ કે, અમે કાર્યવાહી કરીશું. બીજી કોઈ દુર્ઘટના બને એ પહેલા આ કાર્યવાહી કરશો? કમિશનરો પોતાની ઓફિસમાં બેસી રહે અને દુર્ઘટનાઓ પર હાથ ઊંચા કરી બોલ પાસ ન કરી શકે, એમની જવાબદારી ફિક્સ કરવી પડશે. ઉલ્લેખનીય છે કે, પોલીસે માત્ર ટિકિટ વેચવાનો જ પરવાનો આપ્યો હોવાની કોર્ટે નોંધ લીધી છે.