Lok Sabha Election : બિનહરીફ જાહેર થયેલી સુરત લોકસભા બેઠકને બાદ કરતા ગુજરાતની 25 લોકસભા બેઠકો પર આજે સવારે 7ના ટકોરેથી મતદાન શરૂ થઈ ગયું છે. સુરત શહેર જિલ્લામાં સમાવિષ્ટ બારડોલી અને નવસારી બેઠકના વિસ્તારોના મતદારો સવારે 7થી સાંજે 6 કલાક સુધી મતદાન કરી શકશે. સુરત જિલ્લામાં નવસારીના કુલ 14.39 લાખ મતદારો અને બારડોલી બેઠકના કુલ 15.40 લાખ મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.
ગૃહમંત્રીએ કર્યુ મતદાન
રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નિવાસસ્થાનેથી 7ના ટકોરે ઢોલ નગરા સાથે મતદાન કરવા નીકળ્યા હતાં. પરિવાર સાથે સોસાયટીના લોકો સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં. પીપલોદ ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલય મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતાં. સામાન્ય લોકોને સાથે ગૃહરાજ્ય મંત્રી લાઈનમાં ઉભા રહ્યા હતાં. મતદાન કરવા માટે લોકો સાથે વાતચીત કરી સૌ કોઈને મતાધિકારનો ઉપયોગ કરવા કહ્યું હતું.
પાટિલે પરિવાર સાથે કર્યુ મતદાન
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના ઉમેદવાર સીઆર પાટિલ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં. પાટિલ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં. મતાધિકારનો ઉપયોગ કરીને કહ્યું કે, લોકશાહીના આ પર્વમાં દરેક નાગરિકે પોતાના અમૂલ્ય મતાધિકારીનો ઉપયોગ કરવો જોઈએ.
હીટવેવને લઈને ગાઈડલાઈન
પહેલીવાર તંત્રએ હીટવેવથી બચવા માટે ગાઇડલાઇન્સ જારી કરી છે. ડો.સૌરભ પારઘીએ જણાવ્યું કે હીટવેવથી બચવા માટે ટોપી, છત્રી કે ચશ્માનો ઉપયોગ કરવો. સફેદ સુતરાઉ કપડા પહેરવા, ભીના કપડાથી માથું ઢાંકી રાખવું, લાંબા સમય સુધી તડકામાં રહેવું નહીં. અવારનવાર ભીના કપડાથી શરીર લૂંછવું. જરૂર જણાય તો ઇમરજન્સી નંબર 108નો સંપર્ક કરવો.