Lok Sabha Election : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક યોજી હતી. રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર બાદ કચ્છમાં સંઘવીએ બેઠક યોજી હતી. રૂપાલા વિવાદ બાદ ડેમેજ કંટ્રોલ કરવા ભાજપે કવાયત હાથ ધરી છે.
ડેમેજ કંટ્રોલ કરવા હર્ષ સંઘવીની બેઠક
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના આગેવાનો સાથે હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી. જેમાં સંગઠન સાથે સંકળાયેલા નેતાઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. જે બેઠકમાં ભાજપ તરફી વઘુમાં વધુ મતદાન થાય તે અંગે જરૂરી સૂચનો આપ્યા હતાં
ભાવનગરમાં પણ બેઠક યોજાઈ હતી
ભાવનગરમાં ગૃહરાજ્ય મંત્રી અને પ્રદેશ ભાજપ મહામંત્રીની બેઠક મળી હતી. આ બેઠકમાં હર્ષ સંઘવી અને ભાજપનાં સંગઠન મહામંત્રી રત્નાકર બંને ઉપસ્થિત રહ્યા હતા. શહેરની સરાવર પોર્ટીકો હોટલમાં ઓચિંતી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નિમુ બાંભણિયા સહિત સ્થાનિક ભાજપનાં નેતાઓ જોડાયા હતા. ક્ષત્રિય સમાજનાં અગ્રણીઓ અને ભાજપનાં ક્ષત્રિય નેતાઓ પણ બેઠકમાં જોડાયા હતા. બે કલાક સુધી ચાલેલી બેઠકમાં ક્ષત્રિય સમાજનાં વિરોધને લઈ ચર્ચા કરાઈ હતી. ભાજપની બેઠકથી મીડિયાને દૂર રખાયું હતું.
જામનગર ખાતે પણ ક્ષત્રિય સમાજનાં આગેવાનોની બેઠક યોજાઈ હતી
ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રવિવારે વહેલી સવારે સંકલન સમિતિના 8 સભ્યો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સંગઠનમંત્રી રત્નાકરને મળ્યા હતા. સંકલન સમિતિના એ ક્યા 8 સભ્યો ગૃહમંત્રી અને સંગઠનમંત્રીને મળ્યા તે હાલ ચર્ચાનો વિષય છે. જામનગરની સયાજી હોટેલમાં સંકલન સમિતિના 8 સભ્યો ગુપ્ત રીતે મિટિંગ માટે પહોંચ્યા હતા. સંકલન સમિતિના સભ્યોએ ગૃહમંત્રી અને સંગઠન મંત્રીને મળીને શું નક્કી કર્યું તે હાલ ચર્ચાનો વિષય છે.