જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષ સ્થાને ગિરનાર લીલી પરિક્રમા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડતા શ્રદ્ધાળુઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સગવડતાઓ મળી રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ ગિરનારની ચાર દિવસીય લીલી પરિક્રમા તારીખ 12 નવેમ્બરના રોજ પ્રારંભ થશે. જેને લઈ જૂનાગઢ પ્રશાસન દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પરિક્રમાની કામગીરી સાથે જોડાયેલા અધિકારી અને વિવિધ કચેરીના વડાઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને વન વિભાગ, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્ય, પરિવહન સહિત મુખ્ય વિભાગોએ કરેલી તૈયારી અને આગામી દિવસોમાં કરવાની થતી વિશેષ કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
દર વર્ષે ગિરનાર ક્ષેત્રમાં યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ ઘણું બધું છે. ભાવિકો હજારોની સંખ્યામાં ઠંડીની પણ પરવા કર્યા વિના લીલી પરિક્રમામાં આવે છે. લીલી પરિક્રમાનું જેટલું ધાર્મિક મહત્ત્વ છે, એટલું જ સામાજિક મહત્ત્વ પણ છે! ગિરનારની લીલી પરિક્રમામાં જુદા જુદા ગામના લોકો જુદી જુદી કોમના અને પ્રાંતના લોકો ભેગા થયા હોય, જેના પરથી અનેક રીત-રિવાજ, ભાષા, પોશાક વગેરે જાણી શકાય છે. સૌ મળીને સાથે રહેતા શીખે છે, જે પ્રવાસનો આનંદ હોય છે.
ભાવિકોને ગિરનાર લીલી પરિક્રમાના ધાર્મિક મહત્વ મુજબ નિયત સમયે અને તિથિએ પરિક્રમા શરૂ કરવા ઉપરાંત ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે ન લાવવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમા પધારતા લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી, પાણી, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને અધિકારીઓને જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. ઉપરાંત નળ પાણીનીઘોડીએ ભાવિકોના થતા ઘસારાને ધ્યાન રાખી વીજળી પાણીની સુવિધા સાથે વિશેષ વ્યવસ્થાઓ રાખવા માટે પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
પરિક્રમા કારતક સુદ અગિયારસને મંગળવાર તારીખ 12 નવેમ્બર 2024 ના રોજ સાધુ-સંતો, પદાધિકારીઓ, ઉતારા મંડળ ભવનાથ, અધિકારીઓ અને ભાવિક ભક્તોની હાજરી સાથે શુભારંભ કરવામાં આવશે, અને લીલી પરિક્રમાની પૂર્ણાહુતી કારતક સુદ પૂનમને શુકવાર તારીખ 15 નવેમ્બર 2024 ના રોજ પૂર્ણ થશે. આ વર્ષે પણ ચૌદશનો ક્ષય હોવાથી પરિક્રમા ચાર જ દિવસની રહેશે.
જિલ્લા કલેકટરશ્રીએ ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ફરજ પરના અધિકારીઓને સ્થળ મુલાકાત કરી દિવાળી ના તહેવાર પૂર્વે જરૂરી આયોજન કરવા આપ્યા હતાં. આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમાને ધ્યાને રાખી પરિવહન ટ્રાફિક વ્યવસ્થાપન, પાર્કિંગ વ્યવસ્થા માટે પણ જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા.
ગિરનાર લીલી પરિક્રમા જવા માટેના રસ્તાઓ અને જંગલ વિસ્તારના રૂટના રસ્તાઓની જરૂરી મરામત માટે પણ કલેકટરશ્રીએ સંબંધીત અધિકારીઓને સૂચના આપી હતી. પર્યાવરણ જાળવણી માટે સેવાકીય સંસ્થાઓનો સહયોગ પણ લેવામાં આવશે. આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકોનું આરોગ્ય ન જોખમાય તે માટે ખાદ્ય પદાર્થોની ચકાસણી ઉપરાંત દૂધ સહિતનો જરૂરી પુરવઠો ઉપલબ્ધ રહે તે માટે તકેદારી લેવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેક્ટર એન. એફ. ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ઉપરાંત વન વિભાગ, આરોગ્ય, માર્ગ અને મકાન, પીજીવીસીએલ, પાણી પુરવઠા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમય મુજબ પરિક્રમા કરવાનું સૂચન
યાત્રિકો નિયત તારીખ કરતાં વહેલી પરિક્રમા શરૂ કરી દે છે એ બાબતે વન વિભાગ દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી હતી. યાત્રિક રૂટ ભૂલી જાય એવી સ્થિતિમાં યાત્રિક પર વન્ય પ્રાણી હુમલો કરી શકે છે. અગાઉ આ પ્રકારના બનાવ બન્યા હોવાથી યાત્રિકોને નિયત તારીખ સમય મુજબ પરિક્રમા કરવા અને વહેલી સવારે પરિક્રમા ન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ
કહેવાય છે કે ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી આ ગીરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિષ મળવ્યાંનો અનુભવ કરે છે. સતયુગમાં દેવી દેવતાઓએ પણ ગીરનારની પરિક્રમા કર્યોનો ઉલ્લેખ છે. શ્રીકૃષ્ણે જ પરિક્રમા કરી હોવાનો ઉલ્લેખ છે.
આ પણ વાંચો – સૌથી મોટા ડિજીટલ એરેસ્ટનો ફોડ્યો ભાંડો, 17 આરોપીઓની કરી ધરપકડ