Gujarat News : લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મતદારો કોના સર પર તાજ મૂકશે એ તો પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ ગુજરાતમાં તો જે 26 લોકસભા બેઠકો છે તેમાંથી એક બેઠક મત પડ્યા વગર જ ભાજપના ફાળે જતી રહી. બાકીની 25 બેઠકો પણ ભાજપ પોતાના પક્ષમાં આવે તેના માટે રણનીતિ ઘડાયેલી છે. માત્ર સીટો જીતવી એટલું પુરતું નથી. પણ આ સીટો તોતિંગ માર્જિનથી જીતવી એ ભાજપ માટે લક્ષ્યાંક છે. લોકસભાની આ ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે અને તે છે તમામ બેઠકોને 5 લાખની જંગી લીડથી જીતવી.
2019માં આ 5 બેઠકો પર મળી હતી જંગી લીડ
ગત ચૂંટણીની વાત કરીએ તો ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવી ગુજરાતની તમામ બેઠકો કબજે કરી હતી અને તેમાં પણ ચાર બેઠકો એવી હતી જે પાંચ લાખ કરતા વધુના માર્જિનથી જીતવામાં સફળતા મેળવી હતી. આ ચાર બેઠકમાં નવસારી, સુરત, વડોદરા, ગાંધીનગરનો સમાવેશ થાય છે. સૌથી વધુ માર્જિન સાથે સીઆર પાટીલે જીતનો રેકોર્ડ બનાવ્યો હતો. પાટીલ નવસારી બેઠક પરથી 6,89,668 મતના માર્જિન સાથે જીત્યા હતા, જ્યારે કે બીજા ક્રમે દેશના ગૃહ મંત્રી અને સહકારી મંત્રી અમિત શાહ ગાંધીનગરની બેઠક પરથી 5,57,014 મતના માર્જિન સાથે જીત્યા હતા. આ સાથે જ, ત્રીજા ક્રમે સુરત બેઠક પરથી દર્શના જરદોશ 5,48,230 મતના માર્જિન સાથે જીત્યા હતા. ભાજપના રંજનબેનને વડોદરામાં 72.30 ટકાનો વોટ શેર રહ્યો હતો. જેના સાથે જ 5,89,177 મતનો જીતમાં તફાવત હતો. જ્યારે કોંગ્રસને 24.07 ટકા મત મળ્યા હતા. આમ 26 પૈકી માત્ર ચાર બેઠક જ એવી હતી કે, જેના ઉમેદવારોનું જીતનું માર્જિન 5 લાખથી વધુ હતું. આ ઉપરાંત, કેટલીક એવી પણ બેઠક રહી હતી કે, જ્યાં જીતનું માર્જિન દોઢ લાખથી પણ ઓછું રહ્યું છે.
બધી બેઠકો જંગી લીડથી જીતવાનો ટાર્ગેટ
કુલ 26 બેઠકોમાંથી એક બેઠક સુરત લોકસભા બેઠક બિનહરીફ થતા ભાજપના ફાળે ગઈ. ભાજપના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. ત્યારબાદ શે ભાજપના સહપ્રવક્તા દીપક જોશીએ કહ્યું કે, અમારા માટે આનંદની વાત છે. ગુજરાતમાં આઝાદી પછી ભાજપની પ્રથમ બેઠક બિન હરીફ બની છે. જે ઉમેદવારોએ ફોર્મ પરત ખેચ્યું છે તેઓએ ભાજપનો સાથ આપ્યો છે. ગુજરાતની તમામ બેઠકો જીતવામાં આવશે. બાકીની 25 બેઠકો 5 લાખની લીડથી જીતવામાં આવશે. ત્યારે સ્વાભાવિક રીતે એ વિચાર આવે કે એક બે કે ચાર પાંચ બેઠકોની વાત 5 લાખ લીડ સાથે જીતવાની વાત થાય તો સમજમાં આવે પણ તમામ બેઠકો કઈ રીતે 5 લાખની લીડથી જીતી શકાય? તો તમને જણાવી દઈએ કે આ માટે ભાજપે ખુબ માઈક્રોલેવલે પ્લાનિંગ કર્યું છે. ચાલો આ પ્લાનિંગ સમજીએ.
5 લાખ લીડથી જીતવા માટે આ છે પ્લાનિંગ
ભાજપના આ લક્ષ્યાંકને પાર પાડશે પેજપ્રમુખો. બિલકુલ સાચી વાત છે. પેજપ્રમુખોની રણનીતિને આધારે ભાજપ પોતાના આ લક્ષ્યાંકને સર કરવાના સપના સેવી રહ્યો છે. રણનીતિ મુજબ આ સમગ્ર યોજનામાં પેજ પ્રમુખોની કામગીરી મહત્વની રહેશે. પેજ પ્રમુખોની કામગિરી જેટલી મજબૂત હશે તેટલો લક્ષ્યાંક પાર પાડવામાં સફળતા મળશે. ગુજરાતમાં ભાજપે દરેક મતદાર યાદીના પેજ દીઠ પેજ પ્રમુખોની નિમણૂંક કરેલી છે. આ રીતે લગભગ 10 લાખ જેટલા પેજ પ્રમુખો નિમાયા છે અને તેમના હાથ નીચે પેજ સમિતિ છે જેમાં 3-4 જેટલા સભ્યો હોય છે. આવી 70 લાખથી વધુ પેજ સમિતિઓ હાલ આ લક્ષ્યાંકને હાંસલ કરવા કાર્યરત છે. હવે આ પેજ સમિતિનું કામ શું? તો સમિતિનું મુખ્ય કામ મતદારોને મતદાનકેન્દ્ર સુધી પહોંચતા કરવાની જવાબદારી નિભાવવાની છે એટલે કે પેજ સમિતિના દરેક સભ્યની જવાબદારી એ રહેશે કે તેઓ પોતાના પાડોશ કે આજુબાજુના વિસ્તારોમાં સવારના નિર્ણાયક સમય દરમિયાન ઓછામાં ઓછા 3થી 5 જેટલા મતદારો ભૂલ્યા વગર મત આપે તે ધ્યાન રાખવાનું છે. બંનેની ઉપર બુથ સમિતિ પણ હોય છે.
અત્રે જણાવવાનું કે આ રણનીતિ કઈ આજકાલની નથી. ભાજપ માટે અત્યાર સુધી તે અક્સિર પૂરવાર થયેલી છે. પેજ પ્રમુખ ફોર્મ્યૂલાની શરૂઆત 2007ની વિધાનસભા ચૂંટણીથી થઈ હતી અને પરિણામો સારા મળતા તેને લોકસભા ચૂંટણી અને અન્ય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓમાં પણ અપનાવવામાં આવ્યો હતો.