Gujarat Monsoon : છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાક સુધી ગુજરાતના લોકોને ભારે વરસાદથી કોઈ રાહત મળવાની નથી. આ અહેવાલમાં જાણો કયા જિલ્લામાં કેવું રહેશે હવામાન…
હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન અનુસાર, ગુજરાત પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. જેના કારણે અરબી સમુદ્રમાંથી ભેજ મેદાનો તરફ ખેંચાઈ રહ્યો છે. IMDના વૈજ્ઞાનિક સોમા સેને કહ્યું કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMD એ 11 જુલાઈના રોજ ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં અતિ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે. આ પછી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન ચોખ્ખું થવાની ધારણા છે, પરંતુ ગુજરાત પ્રદેશમાં 12 થી 14 જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. આ અંગે યલો એલર્ટ છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ગુજરાત પ્રદેશના ખેડા, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના જિલ્લા સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
એટલું જ નહીં, ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, કચ્છ અને નર્મદા જિલ્લામાં જુદા જુદા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.