Gujarat Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા લોકસભા બેઠક રાજ્યમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યા બાદ હવે ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. આ બેઠક પર બંને મુખ્યપક્ષો દ્વારા મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ઉતારવામાં આવ્યા હતા જ્યારે ભાજપે શિક્ષણ સાથે સંકળાયેલા રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. ગુજરાતની આ એકમાત્ર બેઠક છે જ્યાં મહિલાઓ વચ્ચે લડાઈ હતી.
કોણ છે ડૉ. રેખાબેન ચૌધરી ?
ડો. રેખાબેન ચૌધરી, બનાસકાંઠાના લોખો પશુપાલકો જેમના કારણે સ્વામાભેર પોતાનું જીવન જીવી રહ્યાં છે, એવા બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી છે. તેઓ ભાજપના સક્રિય કાર્યકર અને મોરબી જિલ્લાના પ્રભારી હિતેશ ચૌધરીના ધર્મ પત્ની છે. ડૉ. હિતેશ ચૌધરીએ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તથા ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ તેમજ સિન્ડિકેટ સભ્ય તરીકે સભ્ય રહી ચુક્યા છે. રેખાબેનએ M.sc., M.phil., Ph.D (Mathematics) અભ્યાસ કરેલો છે. વ્યવસાય- પ્રાધ્યાપક, એન્જિનિયરિંગ કોલેજ.
કોણ છે ગેનીબેન ?
ગેનીબેન ઠાકોર કોંગ્રેસના નેતા છે. 2017માં તેઓ વાવમાંથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ગેનીબેન 2012માં વાવમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ તેઓ વાવ મતવિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને 6655 મતોના માર્જિનથી જીત્યા. ગેનીબેન 2022 માં ફરીથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. 2019 માં ગેનીબેન ઠાકોરે સમાજની અપરિણીત છોકરીઓ માટે મોબાઇલ ફોન પ્રતિબંધ મૂકવાના સમાજના નિર્ણયને ટેકો આપ્યો હતો. ત્યારે તે લાઇમલાઇટમાં આવ્યા હતા.
અગાઉ આ બેઠક કોંગ્રેસનો ગઢ હતી
સરહદી જિલ્લા બનાસકાંઠામાં 1951થી લઈને 2019 સુધીમાં કુલ 19 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ છે. 2013ની પેટાચૂંટણીમાં ભાજપે બનાસકાંઠા બેઠક પર ચોથી વખત જીત મેળવી હતી. ત્યારથી આ સીટ ભાજપના કબજામાં છે. આ બેઠક પર ભાજપે છ વખત જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે 10 વખત જીત મેળવી છે. આ સીટ સ્વતંત્ર પાર્ટી, જનતા પાર્ટી અને પછી જનતા દળ એકએક વાર જીતી ચુક્યુ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ સીટ 3,68,296 વોટથી જીતી હતી. ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે કોંગ્રેસને હરાવ્યા હતા, આ વખતે ભાજપે ફેરફાર કરીને રેખા ચૌધરીને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.
7 વિધાનસભા મતવિસ્તાર
હાલમાં, બનાસકાંઠા લોકસભા મતવિસ્તારમાં 7 વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે
વિધાનસભા બેઠકનું નામ – ધારાસભ્યનું નામ – પક્ષ
- 7 વાવ – ગેનીબેન ઠાકરો – કોંગ્રેસ
- 8 થરાદ – શંકર ચૌધરી – ભાજપ
- 9 ધાનેરા – માવજી દેસાઈ – અપક્ષ
- 10 દાંતા – કાંતિ ખરાડી – કોંગ્રેસ
- 12 પાલનપુર – ભાજપ
- 13 ડીસા – પ્રવિણ માળી – ભાજપ
- 14 દિયોદર – કેશાજી ચૌહાણ – ભાજપ