અનાજનું પણ એ.ટી.એમ : હાલનો સમય ટેકનોલોજીનો સમય છે જેમાં અવનવી ટેકનોલોજી થકી અવનવી મશીનરીઓ આવતી હોય છે અને ઝડપથી કામ પૂર્ણ થતા હોવાના કારણે લોકોનો સમય પણ બચે છે. ત્યારે ભાવનગરના કરચલીયા પરા વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ મશીન શરૂ કરવામાં આવ્યું છે. આ અનાજ એ.ટી.એમ. થકી જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ અને પારદર્શક તથા સુગમ્ય બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મશીનમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ (NFSA) સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તથા વનનેશન વન રેશનકાર્ડ અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થીઓ તેમને મળવાપાત્ર ઘઉં તથા ચોખાનો જથ્થો તેમના આધાર આધારિત બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા મેળવી શકશે.
ગુજરાતના રેશનકાર્ડ ધારકોને લાઈન ઉભા રહેવા સાથે દુકાનોના ધક્કા ન ખાવા પડે તે માટે રાજ્ય સરકારે નવી પહેલ શરૂ કરી છે અને હવે દુકાનદાર હાજર નહીં હોય, તો પણ અનાજ મળશે. આ સુવિધાથી રેશનકાર્ડ ધારકોને 24 કલાકમાં કોઈપણ સમયે અનાજ મળી રહેશે. રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં આ અત્યાધુનિક સુવિધાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ભાવનગરમાં અન્નપૂર્તિ ગ્રેઇન મશીન એ.ટી.એમ.નો 24 કલાકમાં 198 લાભાર્થીઓએ લાભ લીધો.
198 લાભાર્થીઓમાં 10 અંત્યોદય કાર્ડધારકો તથા 188 NFSA કાર્ડ ધારકોએ અન્નપૂર્તિ ગ્રેઇન મશીન એ.ટી.એમ.નો લાભ લીધો. ગ્રેઇન એટીએમ મશીન મારફત ઘઉંનો 1584 કિલો જથ્થો તથા ચોખાનો 2344 કિલો જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું. ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ ગ્રેઇન એ.ટી.એમ મશીન લગાવવામાં આવ્યું. ભાવનગરવાસીઓએ એક જ દિવસમાં બહોળી સંખ્યામાં આ એટીએમનો લાભ મેળવ્યો.
ગ્રેઇન એ.ટી.એમ મશીનની આ છે ખાસિયત
અન્નપૂર્તિ ગ્રેઇન એ.ટી.એમ મશીન દ્વારા માત્ર 40 સેકન્ડમાં જ 25 કિગ્રા અનાજનું વિતરણ થાય છે, એ પણ 100 ટકા ચોકસાઈ સાથે. આ મશીનની મહત્તમ ક્ષમતા 2500 કિગ્રા છે. સાથે જ આ વિતરણ માટે સરળ કાર્યપધ્ધતિ છે. આ મશીનની પોર્ટેબિલિટી એ તેની ખાસિયત છે. તેને FPS ખાતે સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય છે. સાથે જ આ સ્વયંસંચાલિત છે અને આમાં અનાજ રીફીલીંગ થઈ શકે છે.
24 કલાક રાશનનો સામાન મળશે
અનાજ એટીએમ થકી લાભાર્થીઓને ઓછું અનાજ તથા અમુક અનાજ નહીં મળતા હોવાની ફરિયાદો હવે દૂર થશે અને લાભાર્થી 24 કલાકમાંથી ગમે તે સમયે જરૂરી રાશન મેળવી શકશે. આ મશીનની વિશેષતા એ છે કે, સંગ્રહ ક્ષમતા 2500 kg છે અને આ એટીએમ મશીનની સેવા 24 કલાક ઉપલબ્ધ હોવાથી લાભાર્થી તેના અનુકૂળ સમયે તેઓને મળવાપાત્ર અનાજ મેળવી શકશે. આ એટીએમ ખૂબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરી શકતુ હોવાથી લાભાર્થીને મળવાપાત્ર તમામ જથ્થો ત્વરિત મળી જશે. તેમજ જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ પારદર્શક તથા સુગમ્ય બનશે.
જાણો કેવી રીતે કરે છે આ અનાજ એટીએમ કામ
સૌપ્રથમ લાભાર્થીએ પોતાનો રેશનકાર્ડ નંબર દાખલ કરી આગળનું બટન દબાવવાનું રહેશે, ત્યારબાદ લાભાર્થીએ પોતાનું નામ પસંદ કરી આગળનું બટન દબાવવાનું રહેશે, ઓથેન્ટીકેશન બટન દબાવી એગ્રી પર દબાવવાનું રહેશે, સ્કેનરમાં લાલ લાઈટ ચાલુ થયા પછી લાભાર્થીએ કોઈપણ એક આંગળી કે અંગૂઠો મૂકવાનો રહેશે. ત્યારબાદ લાભાર્થીને ચાલુ મહિનાનો મળવાપાત્ર જથ્થો સ્ક્રીન પર દેખાઈ જશે. જેમાંથી વિતરણ બટન દબાવી સૂચનાઓને અનુસરવાની રહેશે અને લાભાર્થીને મળવાપાત્ર અનાજ મુજબની બેગ વિતરણ નોઝલ નીચે ગોઠવી અને ઓકે પર ક્લિક કરવાનું રહેશે. તેમજ ચોખા માટે ક્રમ નંબર 7 થી 9 સુધીની સૂચનાઓને ફરીથી અનુસરવાની રહેશે અને ત્યારબાદ બિલની વિગતો ચકાસી બરાબર બટન દબાવી સંચાલન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, આ રીતે અનાજ એટીએમનું સંપૂર્ણ સંચાલન રહેશે.
અન્નપુર્તિ ATM મશીન કેવી રીતે વાપરવું?
- પોતાનો રેશનકાર્ડ નંબર નાખી ‘આગળ’નું બટન દબાવો.
- પછી પોતાનું નામ પસંદ કરી ‘આગળ’નું બટન દબાવો.
- ‘ઓથેન્ટીકેશન’ બટન દબાવી, ‘Agree’ બટન દબાવો.
- સ્કેનરમાં લાલ લાઈટ ચાલુ થાય એટલે કોઈ પણ એક આંગળી કે અંગુઠો મૂકો.
- તમને ચાલુ મહિનાનો મળવાપાત્ર જથ્થો સ્ક્રીન પર દેખાશે.
- ‘વિતરણ’ બટન દબાવી સુચનાઓ અનુસરો.
- મળવાપાત્ર અનાજ મુજબની બેગ(થેલી), વિતરણ નોઝલ નીચે ગોઠવી ‘OK’ બટન દબાવો.
- વિતરણ પુર્ણ થયા પછી પુષ્ટિ કરવા માટે ‘OK’ બટન દબાવો.
- બિલની વિગતો ચેક કરીને ‘બરાબર’ બટન દબાવી, સંચાલન પ્રક્રિયા પૂર્ણ કરો.
40 સેકન્ડમાં 25 કિલો અનાજ વિતરણ થશે
અન્નપૂર્તિ મશીન (ગ્રેઈન એ.ટી.એમ.), થકી વજનમાં થતી ચોરી ઘટાડીને અનાજના વિતરણમાં ચોકસાઈમાં વધારો થશે અને FPS ની બહાર લાભાર્થીઓને લાઈનમાં પણ ઘટાડો થશે. આ સગવડ 24 કલાક સુધી શરૂ રહેતી હોવાના કારણે સમયનો પણ બચાવ થશે. આ મશીન થકી માત્ર 40 સેકન્ડમાં 25 kg અનાજનું વિતરણ થઈ શકે છે અને 100% ચોકસાઈ સાથે તેમજ બે જણસીનો વિતરણ પણ થઈ શકે છે અને તેમાં સ્વયં સંચાલિત અનાજ રીફીલિંગ પણ ઉપલબ્ધ છે.
એટીએમ મશીનથી અનાજ કાઢવુ સરળ
આ અંગે લાભાર્થી હમીરભાઈ સોહલાએ જણાવ્યું કે, “આ જે અનાજ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે તેના થકી ગરીબ વર્ગના લોકોને ખૂબ જ ફાયદો થવાનો છે. કોઈપણ પ્રકારનો સમય બરબાદ કર્યા વગર કામ પાડ્યા વગર જ્યારે પણ અમારે અનાજ લેવું હોય ત્યારે મળી રહેશે, તેમજ લાઈનમાં પણ ઊભા રહેવાની જરૂર રહેતી નથી. કોઈપણ સમયે અમારે અનાજ જોઈએ તે સમયે અમે અહીંથી લઈ શકીએ છીએ. આ અનાજ એટીએમ મશીનમાંથી અનાજ કાઢવું ખૂબ જ સરળ છે કોઈપણ અભણ વ્યક્તિ પણ તે કરી શકે છે.”