ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં આવેલા કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીક થવાથી ચાર કામદારોના મોત થયા છે. શનિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ પ્લાન્ટમાં ગેસ લીક થયો હતો, જેના કારણે રવિવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચાર કર્મચારીઓના મોત થયા હતા.
પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક થયો હતો
દહેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.એમ.પાટીદારે જણાવ્યું હતું કે શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (જીએફએલ)ના પ્રોડક્શન યુનિટમાં પાઇપમાંથી ઝેરી ગેસ લીક થયો હતો. આ ગેસના સંપર્કમાં આવતા ચાર કામદારો બેભાન થઈ ગયા હતા. કામદારોને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમાંથી ત્રણનું રવિવારે સવારે 3 વાગ્યે મૃત્યુ થયું હતું, જ્યારે અન્યનું સવારે 6 વાગ્યે મૃત્યુ થયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.
મૃતકો અન્ય ત્રણ રાજ્યોના હતા
પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ રાજેશ કુમાર (રહે. ગુજરાત), મુદ્રિકા યાદવ (રહે. ઝારખંડ), સુશિત પ્રસાદ અને મહેશ નંદલાલ (બંને ઉત્તર પ્રદેશના રહેવાસી) તરીકે થઈ છે. જીએફએલ, દહેજના ડેપ્યુટી જનરલ મેનેજર જીગ્નેશ પરમારે જણાવ્યું હતું કે તેઓ આ મામલાની તપાસ કરશે અને દરેક મૃતક કર્મચારીના પરિજનોને 25 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. તેમણે કહ્યું, ‘કંપની અને મેનેજમેન્ટ આ ઘટનાથી દુખી છે. અમે કાનૂની સત્તાવાળાઓને સહકાર આપવાનું વચન આપ્યું છે અને અમે આ બાબતની તપાસ કરીશું અને અમારો રિપોર્ટ સબમિટ કરીશું. ભરૂચ મેજિસ્ટ્રેટ મનીષા મનાણીએ જણાવ્યું હતું કે ‘અંબેટા ગામ પાસેના GFL પ્લાન્ટમાં ગેસ લીક થવાને કારણે ચાર લોકોના મોત થયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી તપાસ હાથ ધરી છે.