Loksabha Election 2024: રાજ્યમાં ભારે ઉત્સાહ સાથે મતદાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરાથી એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. વડોદરામાં મતદાન બાદ બટાકા પૌવા ખાવાના આયોજને લોકોની તબિયત બગાડી છે. મતદાન મથક બહાર બટાકા પૌવા ખાધા બાદ 25થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
ફતેગંજ પોલીસ સ્ટેશન સામે સુર્યનગર ખાતેના મતદાન મથકની બહાર બટાકા પૌવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે મતદાન બાદ લોકોએ બટાકા પૌવા ખાધા હતા. જે બાદ લોકોની ઉલટી થવાની લાગી હતી. 25થી વધુ લકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બીજી બાજુ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પરિવાર સાથે મતદાન કર્યું હતું. સમા વિસ્તારમાં આવેલ સરસ્વતી સ્કૂલમાં મતદાન કર્યું હતું. રંજનબેન ભટ્ટે ભાજપ ઉમેદવારનો જંગી મતથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જ્યારે વડોદરાના પાદરામાં પોતાના જ ઘરે દુખદ ઘટના બની હોવા છતા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મોભા ગામે પત્નીનું અવશાન થયું હોવા છતાં પતિએ મતદાન કર્યું હતું. પરિવારજનોએ મતદાન કર્યા બાદ અંતિમ ક્રિયા શરૂ કરી હતી. પત્નીની સ્મશાન યાત્રા અટકાવીને મતદાન કર્યું હતું.
સાથે જ વડોદરાના નવયુગ વિદ્યાલયમાં દીપક શાસ્ત્રી નામના મતદારે અનોખી રીતે મતદાન કર્યું હતું. તેમણે હનુમાનજીનો વેશ ધારણ કરી મતદાન કર્યું હતું. હનુમાનજીનો વેશ ધારણ કરતાં અન્ય મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા