વર્ષ 2024-25 માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીમાં જિલ્લા કક્ષાની સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સમિતિએ જિલ્લાની યોગ્ય સંસ્થાઓની અરજીઓ પર વિચારણા કરી ગૌ માતા પોષણ યોજના હેઠળ સહાય મંજૂર કરી છે. જિલ્લામાં કુલ 211 ગૌશાળાઓને સહાયની રકમમાંથી આર્થિક મદદ મળશે.
211 સંસ્થાઓ પાસેથી અરજીઓ મળી
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના હેઠળ, જુલાઇ 2024 થી સપ્ટેમ્બર 2024 દરમિયાન પશુપાલનમાં સહાય માટે ઇખેદુત પોર્ટલ પર કુલ 211 સંસ્થાઓ તરફથી અરજીઓ પ્રાપ્ત થઈ છે. જે પૈકી 17 સંસ્થાઓના દૈનિક ઢોરની સંખ્યા 1000થી વધુ હોવાથી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા રાજ્ય કક્ષાની સમિતિ, ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને નિર્ણય માટે મોકલવામાં આવ્યા હતા.
જ્યારે જિલ્લા કક્ષાની સમિતિએ રોજના 1000થી ઓછા પશુઓ ધરાવતા કુલ 191 સંસ્થાઓની અરજીઓ મંજૂર કરી ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને ચૂકવણી માટે મોકલી આપી હતી. જ્યારે ત્રણ સંસ્થાઓની અરજીઓ ઠરાવની શરતો પૂરી ન કરવાને કારણે નામંજૂર કરવામાં આવી હતી.
22.76 કરોડની સહાય મંજૂર
જિલ્લાની 211 સંસ્થાઓમાંથી 82,459 પશુઓ માટે કુલ રૂ. 22.76 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે અને માહિતી માટે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. ગાયોની જાળવણી માટે જિલ્લાના ગૌશાળાઓને રૂ.23 કરોડની આર્થિક સહાય મંજૂર કરીને ગૌશાળાઓને આર્થિક મદદ મળશે.
આ બેઠકમાં પ્રભારી જિલ્લા વિકાસ અધિકારી સી.પી.પટેલ, જિલ્લા કક્ષાના પ્રતિનિધિ, નાયબ નિયામક પશુપાલન અંતાંગ પશુ સુધારણા યોજના, સભ્ય સચિવ નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.