ગુજરાત સરકારે રાજ્યમાં શિક્ષકોની બમ્પર ભરતીની જાહેરાત કરી છે. સરકારી અને અનુદાનિત માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયકોની અછતના કારણે હજારો જગ્યાઓ ખાલી છે ત્યારે આખરે સરકાર દ્વારા અગાઉની જાહેરાત મુજબ માધ્યમિકમાં 1200 શિક્ષક સહાયકોની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જે અંતર્ગત 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 અને 10માં કુલ 1200 શિક્ષક સહાયકોની ભરતી કરવામાં આવશે. જેમાં ગુજરાતી માધ્યમની શાળાઓમાં 1196 જગ્યાઓ અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ચાર જગ્યાઓ ભરવામાં આવશે.
ક્યારે અને કોણ ઓનલાઈન અરજી કરી શકે છે
પાત્ર ઉમેદવારો 24મી ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરી શકે છે અને 15મી નવેમ્બર સુધી અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે અને આ ભરતી પ્રક્રિયા નવા નિયમો અનુસાર કરવામાં આવશે.
નવી માપદંડ પ્રણાલી મુજબ, ટેટ માધ્યમિક પરીક્ષા પાસ કરનાર પાત્ર ઉમેદવારોની યોગ્યતાના આધારે પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. TAT માધ્યમિકમાં 60% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો અરજી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ધોરણ 9 થી 12 સુધીના શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. શાળાઓને ધોરણ 9 થી 12 સુધીના જ્ઞાન સહાયકો મળ્યા નથી અને જો તેઓ મળ્યા તો પણ તેઓ હાજર ન હતા.