તમિલનાડુની રાજધાની ચેન્નાઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક વિદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. કેન્યાની એક મહિલા ડ્રગ્સની દાણચોરી કરતી પકડાઈ છે. કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેની પૂછપરછ કરી છે. આ મહિલાએ કોકેઈનની 90 કેપ્સ્યુલ ગળી હતી, જેની કિંમત 14.2 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
અધિકારીઓએ મંગળવારે ખુલાસો કર્યો કે મહિલા 7 ડિસેમ્બરે ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાથી ચેન્નાઈ આવી હતી. મહિલા વિશે ગુપ્ત માહિતી મળી હતી કે તે ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરે છે. જે બાદ તેમને એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ પૂછપરછ માટે રોક્યા હતા. મહિલાની સઘન શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેના કપડાં અને બેગમાંથી કંઈ મળ્યું ન હતું.
આ પછી વિભાગે તેના શરીરનો એક્સ-રે કરાવ્યો. જેમાં મહિલાના પેટમાં નળાકાર આકારની કેટલીક વસ્તુઓ હોવાનું જણાયું હતું. અધિકારીઓએ તેની કડક પૂછપરછ કરી. મહિલાએ સ્વીકાર્યું કે તેણે કોકેઈનની 90 કેપ્સ્યુલ ગળી હતી. આ પછી કસ્ટમ અધિકારીઓએ કોકેન જપ્ત કર્યું. કેપ્સ્યુલ્સનું વજન આશરે 1.4 કિગ્રા હોવાનું બહાર આવ્યું છે. મહિલાને પોલીસ કસ્ટડીમાં સોંપવામાં આવી છે. આવો જ એક કિસ્સો અગાઉ ચેન્નાઈ એરપોર્ટ પર પણ સામે આવ્યો છે.
ચેન્નાઈ એરપોર્ટ પર સોનાની દાણચોરી માટે કેબિન ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ એક મુસાફરને 1.7 કિલો સોનાની દાણચોરીમાં મદદ કરી હતી. દુબઈની ફ્લાઈટથી ચેન્નાઈ પહોંચતા જ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી પેસેન્જરે ફ્લાઈટમાં કેબિન ક્રૂ મેમ્બરને સોનું આપ્યું હતું. જે અંગે કસ્ટમને જાણ થઈ હતી.
અમદાવાદમાં ગાંજો પકડાયો હતો
કેબિન ક્રૂ મેમ્બરે પોતાના અન્ડરગાર્મેન્ટ્સમાં સોનું છુપાવ્યું હતું. તલાશી દરમિયાન સોનું મળી આવ્યું હતું. હાલ બંનેને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ વર્ષે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં અમદાવાદ એરપોર્ટ પરથી પણ ગાંજા જપ્ત કરવામાં આવ્યો હતો. 7 લોકો થાઈલેન્ડથી આ ગાંજા લાવ્યા હતા, જેની અંદાજિત કિંમત 2.11 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. એરપોર્ટ અને CISFની સંયુક્ત ટીમ દ્વારા દાણચોરોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આરોપીઓને પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.