આજથી સોમનાથમાં રાજ્યની 11મી ચિંતન શિબિરનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સોમનાથ મંદિર નજીક વિશાળ ડોમમાં આયોજીત ચિંતન શિબિરમાં રાજ્ય સરકારના તમામ પ્રધાનો, ઉચ્ચ અધિકારીઓ અને સરકાર સાથે સીધી રીતે જોડાયેલા પદાધિકારીઓ સામેલ થશે. ત્રણ દિવસ સુધી ચિંતન શિબિરમાં રાજ્યના વિકાસના કામો અને આવનારા વર્ષોમાં નવા પ્રોજેક્ટ પર સરકાર અને અધિકારીઓ વચ્ચે સંયુક્ત પણે ચર્ચા થવાની શક્યતા છે.
ચિંતન શિબિરમાં મુખ્ય ચર્ચાના મુદ્દાઓ
- ગુજરાતમાં રોજગારીની તકો ઊભી કરવી.
- ગ્રામ્ય સ્તરે આવકમાં વૃદ્ધિ લાવવા માટે નવી યોજનાઓ.
- સરકારી યોજનાઓમાં સંતૃપ્તિ (સેચ્યુરેશન) લાવવા અને 100% લક્ષ્યાંક હાંસલ કરવા.
- પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનું યોગદાન.
પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓની બેઠક : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે તેમના મંત્રીમંડળના પ્રધાનો અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓની સાથે સરકાર સાથે સીધી રીતે જોડાયેલા ઉચ્ચ પદાધિકારીઓ ત્રણ દિવસ સુધી ચિંતન શિબિરમાં હાજર રહીને રાજ્યની વિકાસની યોજનાઓ પર ચર્ચા કરશે. જેમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓની સાથે જિલ્લામાં કામ કરતા કલેક્ટર, કમિશનર, પોલીસ અધિક્ષક અને અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામેલ થશે.
ચિંતન શિબિરમાં સામેલ થતાં તમામ અધિકારી, પ્રધાનો અને અન્ય પદાધિકારીઓ જાહેર પ્રવાસ માધ્યમથી સામૂહિક રીતે ચિંતન શિબિરમાં પહોંચે તે પ્રકારનું આયોજન થયું હતું. પરંતુ આ આયોજન શક્ય ન બનતા હવે કેટલાક અધિકારીઓ ટ્રેન, બસ કે અન્ય વાહન મારફતે સોમનાથ પહોંચી ગયા છે. સીએમ પટેલ પ્રધાન મંડળના સભ્યોની સાથે કેટલાક સર્વોચ્ચ અધિકારીઓ બે વિશેષ વિમાન મારફતે કેશોદ અને ત્યાંથી વાહન મારફતે સોમનાથ પહોંચી રહ્યા છે. આ સિવાય સોમનાથ ખાતે હેલીપેડ પણ તૈયાર કરાયું છે, સંભવત સીએમ પટેલ સીધા સોમનાથ આવે તેવી પણ શક્યતા છે.
SDGમાં સુધારા માટે ચર્ચા
ચિંતન શિબિરમાં ખાસ કરીને 16 SDG (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ) અંગે ચર્ચા થશે. ગત વર્ષે ગુજરાત ફક્ત બે ગોલ્સમાં જ સારો દેખાવ કરી શક્યું હતું. આગામી વર્ષ માટે રાજ્યનું પ્રદર્શન સુધારવા નવી વ્યૂહરચના ઘડવામાં આવશે.
અધિકારીઓ માટે એવોર્ડ્સ
શિબિરના અંતે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડીડીઓને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ આપવામાં આવશે.
મંદિરમાં વિશેષ કાર્યક્રમો
મંદિરમાં આરતી અને યોગ કાર્યક્રમોનો પણ સામાવેશ છે. મંત્રીઓ અને અધિકારીઓ સોમનાથ મંદિરની સાંજ આરતીમાં હાજરી આપશે.
પ્રવાસના ખાસ બંધોબસ્ત
સોમનાથ માટે ગાંધીનગરથી 197 અધિકારીઓને બે ચાર્ટર્ડ વિમાનો દ્વારા કેશોદ લાવવામાં આવ્યા હતા. જ્યાંથી વોલ્વો બસ દ્વારા તેમને સોમનાથ પહોંચાડવામાં આવ્યા.
ત્રણ દિવસ માટે સોમનાથમાં ચાલશે ચિંતન મંથન
રાજ્યના મંત્રીમંડળ અને વહીવટી તંત્ર સોમનાથમાં એકત્રિત થયું છે
7 જૂથમાં વિભાજિત તંત્ર વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.
શિબિરના અંતે વિકાસ માટેનો નવો રોડમેપ ઘડાશે.